Photos: રાજ્ય સરકારનો 'પેપરલેસ' બજેટનો દાવો પોકળ? અનેક ધારાસભ્યોના હાથમાં જોવા મળી બજેટની પ્રિન્ટ કોપી
Gandhinagar News : ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગુરુવારે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું, ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ ગુજરાતની વિધાનસભામાં પેપર અને ફાઈલોના ઢગલા જોવા મળે છે. જેમાં આજે ગુરુવારે બજેટ વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પાસે જ ફાઈલોનો ઢગલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, વિધાનસભામાં બજેટ ડિજિટલ રીતે હોવા છતાં નાણામંત્રીના પ્રવચનની માટે બજેટની કોપી છાપીને ઉપલબ્ધ કરવામાં આવી હતી.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ્યારે નાણામંત્રી હતા, ત્યારે પેપરલેસ બજેટ રજૂ કરવાની શરૂઆત થઈ હતી. જે આજે પણ ટેબલેટના માધ્યમથી બજેટનું રીડિંગ કરીને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાત વિધાનસભામાં પક્ષ-વિપક્ષ દ્વારા કરાતાં પ્રશ્નોને પણ કાગળમાં લખીને આપવામાં આવે છે. જ્યારે ધારાસભ્યોને આપવામાં આવેલા ટેબલેટથી તે પ્રશ્નો ઓનલાઈન સબમિટ કરવાના હોય છે.
પરંતુ ઓનલાઇન એટલે કે ડિજિટલ સબમીશનની જગ્યાએ ધારાસભ્યો દ્વારા કાગળ ઉપર લેખિતમાં એટલે કે જે જૂની પદ્ધતિ પ્રમાણે કાગળ પેનનો ઉપયોગ કરવામાં આવે છે અને ડ્રાફ્ટિંગ કરીને પેપર વિધાનસભામાં જમા કરવામાં આવે છે. આ પછી પેપર પર વિધાનસભાની અલગ-અલગ પ્રશ્ન બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.