ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ કેટલું રહ્યું, લોકસભા ચૂંટણી પહેલા સમજો રાજકીય ગણિત
Gujarat Politics: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં થઈ રહેલા પક્ષપલટાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ગુજરાતમાં વિધાનસભા 2022ના ચૂંટણી પરિણામો બાદ ભાજપના 156, કોંગ્રેસના 17, આપના પાંચ અને ત્રણ અપક્ષ ધારાસભ્ય હતા. આ ઉપરાંત કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ રીતે 2022ની ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો હતા, પરંતુ કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોના રાજીનામા પછી ગુજરાતના રાજકીય સમીકરણો બદલાયા છે. તો ચાલો જાણીએ હાલ ગુજરાતમાં પક્ષ-વિપક્ષનું રાજકીય ગણિત.
2022ની વિધાનસભા ચૂંટણી પછી છ ધારાસભ્યના રાજીનામા
સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસની. ગુજરાતમાં કહેવા પૂરતો પણ કોઈ વિપક્ષ હોય તો તે છે કોંગ્રેસ. ગુજરાત કોંગ્રેસમાંથી અત્યાર સુધી ચાર નેતા રાજીનામું આપી ચૂક્યા છે. આ નેતાઓમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સામેલ છે. અમરેલીમાં આહિર સમાજના અગ્રણી અંબરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ ચાર નેતાઓમાં એકમાત્ર તેઓ સીટિંગ ધારાસભ્ય નથી.
કોંગ્રેસ સિવાયના નેતાઓની વાત કરીએ તો આપના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ પણ રાજીનામા આપી દીધા છે. મહત્ત્વનું છે કે, આ તમામ નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે.
182 સભ્યની ગુજરાત વિધાનસભામાં હાલ 176 ધારાસભ્ય
કોંગ્રેસમાંથી ચાર રાજીનામા પડ્યા પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થઈ ગયું છે, તો આપ પાસે હવે ચાર ધારાસભ્ય છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો પણ ઘટીને 176 થઈ ગયા છે. આ રાજીનામા પછી ખાલી પડેલી ઉપરોક્ત છ બેઠક પર પેટા ચૂંટણીઓ પણ યોજાશે. બીજી તરફ, એવું પણ કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસમાંથી હજુ રાજીનામા પડી શકે છે, જેથી આ આંકડામાં ફેરફારની શક્યતા છે.