Get The App

ગુજરાત સરકારનો નવો કાયદો પણ વિવાદમાં, 'ભૂત-ડાકણના વળગાડ માટે ભૂવા પાસે જાઓ તો અંધશ્રદ્ધા ન ગણાય..'

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
Gujarat-Assembly


Anti-Superstition Law In Gujarat: ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવી તો દીધો પણ આ કાયદામાં ભૂત કે ડાકણ વળગ્યા હોવાના કહેવાતા કિસ્સામાં શ્રદ્ધા અને આસ્થાના નામે કોઈ પગલાં લેવાયા નથી. આ ઉપરાંત સમાજના આગેવાન કહેવાતા ભુવાજીઓ દ્વારા કરાવાતી વિધિઓ સામે પણ કોઈ પગલાં નહીં ભરાય એ જોતાં આ કાયદો અર્થહીન છે. કાયદાના નિષ્ણાતોના મતે, ચોક્કસ જ્ઞાતિઓના મત માટે સરકાર અંધશ્રદ્ધાના કૃત્યોમાં પણ ભેદભાવ કરીને આડકતરી રીતે ચોક્કસ લોકો દ્વારા પોષાતી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે.

સરકાર અંધશ્રદ્ધાના કૃત્યોમાં પણ ભેદભાવ કરતી હોવાની ચર્ચા

અંધશ્રદ્ધા વિરોધી ખરડો રજૂ કરતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'ભૂત કે ડાકણ વળગ્યા હોય એવા કિસ્સામાં સમાજની પ્રથા જાળવવી તેમાં કશું ખોટું નથી. દોરો બાંધવો, સાવરણી કે ઝાડુ મારવું, દીવો કરાવવો, પૂજા કરાવવી તેની સરખામણી વાળ બાંધીને લટકાવવા કે ગરમ સળિયા શરીર પર લગાડવા સાથે ના કરી શકાય. સમાજની પ્રથા પ્રમાણે ભૂત કે ડાકણનો વળગાડ કાઢવા માટે સમાજની પ્રથા પ્રમાણે જવામાં કશું ખોટું નથી. 

આ પણ વાંચો: ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: ગુજરાત હાઇકોર્ટ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ભુવાઓ સામે પગલાં નહીં લેવાય એ સ્પષ્ટ કરતાં કહ્યું કે, 'સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં સામાજિક અગ્રણી જેવા ભુવાજી કામ કરે છે તેમના અને અંધશ્રદ્ધા ફેલાવનારા ભુવાજીઓ વચ્ચે ભેદ છે.  ભુવાજીની વ્યાખ્યામાં સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં સામાજિક અગ્રણી જેવા લોકોને સમાવેશ થાય છે.' ગુજરાત સરકારનું આ વલણ વિચિત્ર છે કેમ કે સરકાર સ્પષ્ટ રીતે ભૂત કે ડાકણ વળગ્યા હોય તેને અંધશ્રદ્ધા નથી ગણતી. સમાજના આગેવાન જેવા ભુવાજી તેની સારવાર કરે તેને પણ સરકાર અંધશ્રદ્ધા ગણતી નથી. એ જોતાં આ કાયદો અંધશ્રદ્ધાને સંપૂર્ણપણે નાથી શકશે કે કેમ તેમાં શંકા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 'અદભૂત' ઘટના! ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચેરમેન બનાવી દેતાં થયો મોટો બળવો

ગુજરાત પહેલાં રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આસામ અને છત્તીસગઢ રાજ્યોમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા બનાવાયા છે. ગુજરાત અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનારું આઠમું રાજ્ય છે. રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે હત્યાની ઘટનાઓ વધી એ પછી હાઇકોર્ટે લાલ આંખ કરતાં રાજ્ય સરકારને આ કાયદો બનાવવાની ફરજ પડી છે.

ગુજરાત સરકારનો નવો કાયદો પણ વિવાદમાં, 'ભૂત-ડાકણના વળગાડ માટે ભૂવા પાસે જાઓ તો અંધશ્રદ્ધા ન ગણાય..' 2 - image


Google NewsGoogle News