બાળકોમાં સોશિયલ મીડિયાની આડઅસર: દસ વર્ષની બાળકી સગીર પ્રેમી સાથે ભાગી, અપહરણ કેસમાં ખુલાસો
Image: AI |
Gujarat Crime News: અરવલ્લી જિલ્લામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગત 31 ડિસેમ્બરના દિવસે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસે બાળકીની તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન એક એવો વળાંક સામે આવ્યો. જેમાં ખુલાસો થયો કે, પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી 16 વર્ષના સગીરના પ્રેમ પડી હતી અને બંને સાથે ભાગી ગયાં હતાં.
શું હતી સમગ્ર ઘટના?
અરવલ્લી જિલ્લામાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, બાળકી ઈન્સ્ટાગ્રામ પર જે સગીર સાથે વાત કરતી હતી, તેની સાથે પ્રેમજાળમાં ફસાઈ અને બંને ભાગી ગયા હતાં. બંનેએ ભાગવા માટે અન્ય ત્રણ સગીરની મદદ લીધી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી નજીકના ગામડામાંથી બંનેને પકડી પાડ્યા હતાં.
આ પણ વાંચોઃ 'બનાસકાંઠાનું જ વિભાજન નહી, બનાસ ડેરી, બનાસ બેંક સહિત સહકારી સંઘનું વિભાજન કરો'
સગીર સામે નોંધાયો અપહરણ અને દુષ્કર્મનો ગુનો
બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે, સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતુ. બંનેના મેડિકલ ટેસ્ટ આવ્યા બાદ બાળકીને માતા-પિતા પાસે પરત મોકલી દેવામાં આવી છે અને સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે.
તપાસ દરમિયાન જાણ થઈ કે, બાળકી અને તેની સગીર બહેન પોતાની માતાના મોબાઈલનો ઉપયોગ કરતા હતાં. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતાં. જેમાંથી 5 બંધ અને 2 ચાલુ હતાં. આ બે એકાઉન્ટમાંથી 10 વર્ષની બાળકી આ 16 વર્ષના સગીરના સંપર્કમાં હતી.
સરકાર લેશે નિર્ણય
નોંધનીય છે કે, આવા કિસ્સાના કારણે દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને શુક્રવારે (3 જાન્યુઆરી) કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યું છે કે, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર પાડ્યું છે કે, સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં જનતાએ આપેલા પ્રતિસાદને 18 ફેબ્રુઆરી 2025 પછી ધ્યાને લઈને વિચાર કરવામાં આવશે.