અમરેલી લેટરકાંડ: પાટીદાર યુવતીની જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી, ટૂંક સમયમાં આવશે ચુકાદો
Amreli Latter Scandal: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સિવાય તેઓએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાવ્યું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપીસ્ટનું કામ કરતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢ્યું હતું. જે મુદ્દે ભારે વિરોધ થયો હતો, ત્યારે આજે શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેનો ચુકાદો ટૂંક સમયમાં આવશે.
યુવતીના વકીલે કોર્ટમાં કરી ધારદાર દલીલ
યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ જણાવ્યું કે, 'અમે પાયલ ગોટીની રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરી હતી. જેની આજે સુનાવણી હતી અને જામીન અરજીનો નિર્ણય ચુકાદા પર આધારિત છે. અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. મેં કોર્ટમાં દલીલ કરી છે કે, રાત્રે 12 વાગ્યે એક સ્ત્રીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે, આ કયાં પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા, બાદમાં ગત રોજ 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે, આ બેન વિરુધ ગુનો નથી બનતો. યુવતીની ઉંમર 25 વર્ષની છે, ત્યારે લગ્ન જીવન શરૂ થતા પહેલાં જે તેની આબરૂ નિલામ કરવામાં આવી છે તેની ખોટ કોણ પૂરશે?'
આ પણ વાંચોઃ અમરેલીમાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું, ભાજપના પૂર્વ પ્રમુખ-કાર્યકરો સહિત 4ની ધરપકડ
શું છે સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.