કરોડોનું આંધણ છતાં ભૂખમરાં-કૂપોષણ સામેની લડાઈમાં પણ વિકાસશીલ ગુજરાત પાછળ રહી ગયું

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Fighting Hunger


Gujarat Fighting Hunger: બાળકો અને સગર્ભાઓના પોષણના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે તેમ છતાંય ગુજરાતમાં કુપોષણ અને ભૂખમરો વધી રહ્યો છે. નવજાત બાળકો અને માતામાં કુપોષણનું પ્રમાણ વધુ છે પરિણામે માતા અને નવજાત બાળકોનો મૃત્યુનો આંક વધી રહ્યો છે. સાથે સાથે ઓછા વજન-અપૂરતી વૃદ્ધિવાળા બાળકો અને એનિમિયા ગ્રસ્તની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આમ ભૂખમરા અને કુપોષણ સામેની લડાઈમાં ય વિકસીત રાજ્ય ગુજરાત ઘણું પાછળ રહ્યુ છે. આરોગ્યની સિધ્ધીઓનો દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે નિતિ આયોગે જ ગુજરાતમાં આરોગ્યની કથળેલી પરિસ્થિતીનો વાસ્તવિક ચિતાર રજૂ કર્યો છે.

એનિમિયા પિડીત સગર્ભાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો 

માત્ર સિધ્ધીઓનો દાવો કરનાર આરોગ્ય વિભાગ નવજાત બાળકો- ગર્ભવતી મહિલાઓ પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડયું છે. ભાજપના શાસનમાં ઓછા વજન ધરાવતાં બાળકો જ નહીં, એનિમિયા પિડીત સગર્ભાઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ આજે જાહેર આરોગ્ય સેવાઓ કરતાં જાહેરાતો પાછળ બમણો ખર્ચ કરી માત્રને માત્રે માર્કેટિંગ જ કરે છે. જો બાળકો અને સગર્ભા સ્ત્રીઓ પાછળ ખરેખર ખર્ચ કરાયો હોય તો પછી આરોગ્યનું સ્તર કેમ કથળ્યુ છે તે સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના 'વૉકલ ફોર લોકલ' અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં

ભૂખમરા સૂચકાંકમાં ગુજરાત દેશમાં 25માં ક્રમે 

આ ઉપરાંત એકેય વ્યક્તિ ભૂખો સુએ નહી તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે ભૂખમરા સૂચકાંકમાં ય ગુજરાત દેશમાં 25માં ક્રમે રહ્યું છે. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ રિપોર્ટમાં તારણો રજૂ કરાયા છે કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના 39 ટકા બાળકો એવા છે જેમની પુરતી વૃદ્ધિય થઇ નથી જયારે વર્ષ 15-49 વર્ષની 62.5 ટકા સગર્ભાઓ એનિમિયા ગ્રસ્ત છે જે ચિંતાનો વિષય છે. સમાન વય જૂથની 25.2 ટકાને બોડી માસ ઈન્ડેક્સ (18.5)થી નીચે છે. આમ, ઓછા વજન અને અપૂરતી વૃદ્ધિવાળા બાળકો અને એનિમિયા ધરાવતી  વ્યક્તિઓનો વ્યાપ વધ્યો છે.

ઝીરો હંગર ઈન્ડેક્ષ હાંસલ કરવાનો હેતુ

સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ- 2નો મૂળભૂત હેતુ ઝીરો હંગર ઈન્ડેક્ષ હાંસલ કરવાનો છે પણ ભાજપના રાજમાં ગુજરાતે માત્ર 41 પોઈન્ટ મેળવ્યા છે. ભૂખમરા સામેની લડાઈમાં ગુજરાત એ ઓડિશા, મધ્યપ્રદેશ સહીત અન્ય 23 રાજ્યો કરતા પાછળ રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2 પ્રદર્શનમાં ગુજરાતની સ્થિતિ સતત કથળી રહી છે. સિવિયર એક્યુટ માલન્યુટ્રીશનને લીધે વર્ષ 2020-21માં 9606, વર્ષ 2021-22માં 13,048 અને વર્ષ 2020-23માં 18,978 બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: સુરતના એડી.ચીફ જજ અને વેસુના P.Iને કોર્ટ હુકમના તિરસ્કાર બદલ સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા

ગુજરાતમાં આરોગ્યની સ્થિતી કથળી છે

ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે. આમ, સિધ્ધિઓના દાવો કરવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં આરોગ્યની સ્થિતી કથળી છે.

કરોડોનું આંધણ છતાં ભૂખમરાં-કૂપોષણ સામેની લડાઈમાં પણ વિકાસશીલ ગુજરાત પાછળ રહી ગયું 2 - image


Google NewsGoogle News