Get The App

અમિત શાહના ફેક વીડિયો મામલે ગુજરાત પોલીસે કરી જિજ્ઞેશ મેવાણીના PA અને આપ નેતાની ધરપકડ

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
અમિત શાહના ફેક વીડિયો મામલે ગુજરાત પોલીસે કરી જિજ્ઞેશ મેવાણીના PA અને આપ નેતાની ધરપકડ 1 - image


Amit Shah Fake Video Case Link in Ahmedabad : ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ગુજરાત પોલીસે (Gujarat Police) મોટી કાર્યવાહી કરી છે. આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani)ના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો નેતા હોવાનું કહેવાય છે. અમિત શાહની બે જાહેરસભાનો વીડિયો એડિટ કરી ખાસ એજન્ડા હેઠળ વાયરલ કરાયો હતો.

ફેક વીડિયોમાં કોંગ્રેસ-AAP કનેક્શન

પકડાયેલા બંને આરોપીઓનું નામ સતીષ વનસોલા અને આર.બી.બારિયા છે. સતીષ વનસોલા કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે. જ્યારે આર.બી.બારીયા આમ આદમી પાર્ટીના દાહોલ જિલ્લાનો પ્રમુખ છે. આ બંનેએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા.

મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ

બીજી તરફ મુંબઈ ભાજપ નેતા પ્રતીક કરપેએ ફેક વીડિયો શેર કરવાના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે મહારાષ્ટ્ર કોંગ્રેસ (યુવા)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાસ્તવમાં અમિત શાહના ભાષણનો એક વીડિયો એડિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો, પરંતુ છેવટે તપાસ કર્યા બાદ આ વીડિયો ફેક હોવાનું સામે આવ્યું હતું.

ફેક વીડિયો મામલે સાત રાજ્યોની પોલીસ દોડતી થઈ

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આ કેસમાં તાબડતોબ કાર્યવાહી કરી રહી છે અને ઘણાં રાજ્યોમાં તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસની ટીમ ઘણા રાજ્યોમાં તપાસ કરી રહી છે. એડિટેડ વીડિયોની તપાસ માટે ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ અને દિલ્હી પોલીસની જુદી જુદી ટીમે મોકલવામાં આવી છે.

ફેક વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ

ફેક વીડિયો શેર કરવાના કેસમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભાના ઉમેદવાર અને ઝારખંડના એક નેતાને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા છે. આ ઉપરાંત નાગાલેન્ડના નેતાને પણ નોટિસ મોકલાઈ છે. આ તમામને પોતાનો મોબાઈલ સાથે લાવવા આદેશ અપાયો છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી પોલીસે તેલંગણાના મુખ્યમંત્રી રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.


Google NewsGoogle News