અંબાજી મંદિરમાં નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો જન્મદિવસે જ આપઘાત
તાજેતરમાં જ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ વિવાદ બાદ હલકી ગુણવત્તાના ઘીનો ઉપયોગ થતો હોવાનો મામલો ચગ્યો હતો, જેમાં ઘણા વિવાદો સર્જાયા હતા. આ વિવાદ સામે આવ્યા ઘણી તપાસ પણ થઈ હતી. યાત્રાધામ અંબાજીમાં માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સનું ઘી પહોંચતું હતું, ત્યારે હવે ટ્રેડર્સના માલિકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસને સૂચના મળતાં જ પોલીસની ટીમ કાફલા સાથે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ તપાસમાં કોઈ સ્યુસાઈડ નોટ સામે આવી નથી. પોલીસનું માનવું છે કે જતીન શાહે કોઈ દબાણના કારણે જીવન ટૂંકાવ્યુ હોઈ શકે છે.
ફૂડ વિભાગે અંબાજીમાંથી ભેળસેળિયું ઘી ઝડપ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબરમાં અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ થતી હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં સેમ્પલ ફેલ જતાં ફૂડ વિભાગે ઘીના 180 ડબ્બા જપ્ત કર્યા હતા. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. એ વખતે પણ ફૂડ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતાં ઘીના 180 જેટલા ડબ્બા જપ્ત કરાયા હતા.
જતીન શાહનો આજે જન્મદિવસ હતો
ઉલ્લેખનિય છે કે, નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહનો આજે જન્મદિવસ પણ હતો. જતીન શાહે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહનની પોલીસે ધરપકડ કરી હતી.