ગિફ્ટ સિટીમાંથી 'અધિકૃત' મુલાકાતી બહાર નીકળે ત્યારે ઇસ્યુ કરેલો પુરાવો બતાવશે

ગૃહ વિભાગ ગાઇડલાઇન બનાવશે

પોલીસ અને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
ગિફ્ટ સિટીમાંથી 'અધિકૃત' મુલાકાતી બહાર નીકળે ત્યારે ઇસ્યુ કરેલો પુરાવો બતાવશે 1 - image

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમીશન આપ્યા પછી ઉભા થતાં સવાલોનો રસ્તો કાઢવામાં આવશે, જે અનુસાર કંપનીમાં કામ કરતા કર્મચારીને એક્સેસ અને કંપનીમાં મુલાકાત માટે આવતા મુલાકાતીને કામચલાઉ પરમીટ આપવામાં આવશે.

કંપનીમાં કામ કરતા કર્મચારીઓને એક્સેસ અને મુલાકાતીને કામચલાઉ પરમીટ અપાશે, ગૃહ વિભાગ ગાઇડલાઇન બનાવશે

ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની અને પીવાની આપવામાં આવેલી છૂટ પછી રાજ્યનો ગૃહ વિભાગ નોટિફિકેશન મારફતે એક ચોક્કસ ગાઇડલાઇન બનાવી રહ્યો છે કે જેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી કે કર્મચારીને તેમજ કંપનીની મુલાકાતે આવેલા મુલાકાતીને પોલીસ કે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે નહીં. આ લોકોને સ્પેશ્યલ કાર્ડ આપવામાં આવશે.

ગૃહ વિભાગના ટોચના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે હજી માત્ર જાહેરાત કરી છે પરંતુ તેના નીતિ-નિયમો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ સપ્તાહમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે, કે જેથી ગિફ્ટ સિટીની બહારના વિસ્તારમાંથી કોઇ વ્યક્તિ હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં દારૂ પી શકે નહીં.

કંપનીના સંચાલકો કે કંપનીના કોઇ એક્ઝિક્યુટીવ જ નક્કી કરી શકશે કે કોણ મહેમાન છે અને કોણ બહારનો વ્યક્તિ છે. ગિફ્ટ સિટીની મુલાકાત લેતાં તમામ લોકોને આવી કોઇ સુવિધા મળશે નહીં. રાજ્ય સરકારે જ્યારે દારૂબંધીમાં છૂટની જાહેરાત કરી ત્યારે જ નક્કી કર્યું હતું કે મુલાકાતીને અધિકૃત કરવાના રહેશે.

રાજ્યમાં દારૂબંધી છે અને તે અધિનિયમ પ્રમાણે જો કોઇ વ્યક્તિ સામે નશાબંધી ભંગનો કેસ ચલાવવામાં આવે તો તેને છ મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ગિફ્ટ સિટીમાં છૂટ એટલા માટે આપવામાં આવી છે કે તેમાં વિશ્વભરની નાણાંકીય સંસ્થાઓ, આઇટી ક્ષેત્રની કંપનીઓ, બેન્કીંગ સર્વિસ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ અને બીજી કચેરીઓ આવેલી છે. રાજ્ય બહારથી આવતા લોકોની જીવનશૈલીને અનુરૂપ અને તેમને પ્રોત્સાહિત કરવા વાઇન એન્ડ ડાઇન સુવિધા લાગુ કરવામાં આવી છે.આ અધિકારીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આ એપાર્ટમેન્ટમાં રહેતી તમામ વ્યક્તિ દારૂબંધીની છૂટનો ઉપયોગ કરી શકશે નહીં. તેમના માટે આવી મંજૂરી આપવામાં આવી નથી પરંતુ ગિફ્ટ સિટીની કોઇ ઓફિસમાં કામ કરતા અધિકારી કે કર્મચારીઓ અધિકૃત કરે તેમને કામચલાઉ પરમીટનું કાર્ડ આપવામાં આવશે. દારૂબંધીની છૂટ અંગેના નિયમો બની રહ્યાં છે અને તેને ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે કોણ દારૂ પી શકશે અને કોણ નહીં.


Google NewsGoogle News