સરકારનું બુદ્ધિનું પ્રદર્શનઃ ગોપાલ ઇટાલિયાએ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હતું છતાં બઢતીની યાદીમાં નામ
Gujarat Police May Give Promotion To AAP Leader: ગુજરાતમાં અગાઉ વિવિધ સરકારી પરીક્ષાઓના પેપરો ફૂટ્યા હોવાના કિસ્સાઓ બાદ ગુજરાત સરકારની કામગીરીમાં પોલમપોલ જોવા મળી હતી. હાલમાં જ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રમોશન આપવા માટેની યાદીથી ખળભળાટ મચી ગયો છે. આ યાદીમાં નવ વર્ષ પહેલાં સરકારી નોકરી છોડી ચૂકેલા આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પ્રમોશન આપી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા ભલામણ કરવામાં આવી છે. જો કે, ગોપાલ ઇટાલિયાએ 2015માં જ પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી.
ગુજરાત સરકારની મોટી ભૂલ
ગોપાલ ઇટાલિયાએ આ યાદી અંગે ટ્વિટ કરતાં ગુજરાત પોલીસ વિભાગ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાની X પોસ્ટ વાયરલ થઈ છે. ગોપાલ ઇટાલિયાએ X પર નોટીસની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું છે કે, આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ, વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં 2024માં કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર 726માં મારું નામ સામેલ કરવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.
શું છે કિસ્સો
ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી માટેની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ વિભાગોને યાદીમાં સામેલ નામ અંગે તપાસ કરવા આદેશ કરતી નોટિસ છે. જો કે, આ યાદીમાં નવ વર્ષ પહેલાં કોન્સ્ટેબલની નોકરી છોડી ચૂકેલા ઇટાલિયાનું નામ પણ સામેલ છે. ગુજરાત સરકારના આ છબરડાંથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે, રાજીનામું આપી દીધું હોવા છતાં જો આ યાદીમાં ઇટાલિયાનું નામ સામેલ છે, તો શું તેના નામ પર આટલા વર્ષો સુધી પગાર પણ થતા હતા?
પોલીસ વિભાગે આપી સ્પષ્ટતા
પોલીસ વિભાગે ગોપાલ ઇટાલિયાની પ્રમોશન મુદ્દે વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા આપતાં X પર પોસ્ટ કર્યું છે કે, અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાને 2015માં પોલીસ નોકરીમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે, પરંતુ આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. વર્ષ 2012માં હાજર થયેલા પોલીસ કર્મચારીઓના નામ આ યાદીમાં આપવામાં આવ્યા છે. જેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ તેની તપાસ અંગે આ નોટિસ જારી કરવામાં આવી છે. જેથી ગોપાલ ઇટાલિયાનું નામ આ યાદીમાં સામેલ છે, પંરતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી.