ગુજરાત સરકારે કરી ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત, જુઓ યાદી
વિવિધ પાકના ભાવ નક્કી કરીને કેન્દ્રને ભલામણ કરાશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ
Gujarat Crop Price : ગુજરાત સરકારે આજે ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel), અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિતમાં ટેકાના ભાવની જાહેરાત કરાઈ છે. વિવિધ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 8થી 10 ટકાનો વધારો કરેલી દરખાસ્ત કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલાશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. આજે મળેલી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં વિવિધ પાક મુજબનો ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા વર્ષ 2024-25 માટેના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી) પાકના નક્કીર કરાયેલા ભાવની ભલામણ કેન્દ્ર સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને સમયસર મોકલી આપવાનો નિર્ણય કરાયો છે. ખેડૂતો નિશ્ચિતપણે વાવણી શરૂ કરી શકે અને તેમને પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર ટેકાના ભાવની પોલિસી અંતર્ગત દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરી ખરીફ અને રવિ પાકોની ખરીદી કરતી હોય છે.
ટેકાના ભાવ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરાશે
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024-25માં ટેકાના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ મોકલાશે. ભાવપંચ દ્વારા ડાંગર માટે રૂ.2800 પ્રતિ ક્વિન્ટલ, બાજરી - રૂ.3350 પ્રતિ ક્વિન્ટલ, જુવાર - રૂ.5500 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ - રૂ.4500 પ્રતિ ક્વિન્ટલ, તુવેર - રૂ.9000 પ્રતિ ક્વિન્ટલ, મગ - રૂ.9500 પ્રતિ ક્વિન્ટલ, અડદ - રૂ.9250 પ્રતિ ક્વિન્ટલ, મગફળી - રૂ.8000 પ્રતિ ક્વિન્ટલ, તલ - રૂ.11,500 પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી) માટે રૂ.10,000 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયા છે. આ ભાવની ભલામણ સમયસર કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, ગત વર્ષના ભાવ કરતા લગભગ 8થી 10 ટકાનો વધારો નવી દરખાસ્તમાં સુચવાયો છે.