Get The App

માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં

Updated: Apr 2nd, 2025


Google News
Google News
માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં 1 - image


Deesa Fire: ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડાંની  ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 20થી વધુ ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. જોકે, ગુજરાતમાં  છેલ્લાં પાંચેક વર્ષમાં ફેક્ટરી અક્સ્માતમાં જ 992 શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં છે. રાજ્ય સરકારના પાપે અને ઉદ્યોગ માલિકોને રાજી કરવાની લ્હાયમાં નિર્દોષ મજૂરો મોતને ભેટી રહ્યાં છે. કારખાના અને ફેક્ટરીઓમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્‌ટી-હેલ્થના નિયમોનો ધરાર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય શ્રમ રોજગાર વિભાગ આંખ મીંચીને બેઠું છે.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં કારખાના-ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. એટલુ જ નહીં, અપૂરતા સાધનોને લીધે ગરીબ શ્રમિકો મોતને ભેટી રહ્યાં છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના આંકડા મુજબ વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 દરમિયાન, ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં કુલ મળીને 992 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફેક્ટરી અકસ્માતમાં આખાય રાજ્યમાં સુરત અગ્રેસર રહ્યુ છે. સુરતમાં 155 શ્રમિકોના ફેક્ટરી દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે, જ્યારે અમદાવાદ બીજા ક્રમે રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષમાં 126 શ્રમિકોના મોત થયા છે. વલસાડ જિલ્લામાં 92 શ્રમિકો મોતને ભેટ્યાં છે. 

આ પણ વાંચોઃ યુટ્યુબના નકલી 'પ્લે બટન'નો કારોબાર, સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવરી

ફેક્ટરી-કારખાનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્‌ટી-હેલ્થના નિયમોનો ધરાર ઉલાળિયો

વર્ષ 2021ની સ્થિતીએ ગુજરાતમાં હેઝાર્ડસ વેસ્ટનું ઉત્પાદન કરતી 20,433 ફેકટરી આવેલી છે. આ ફેકટરી-કારખાનાઓમાં શ્રમિકોની સલામતી માટેના નિયમોનો ધરાર ઉલ્લંઘન થઈ રહ્યું છે. મજૂરો જ નહીં, ફેક્ટરી-કારખાનાના આસપાસના લોકોનો જીવ જોખમમાં મૂકાય તેવી પરિસ્થિતી છે. ગુજરાત રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનો ઉલાળિયો કરવામા આવી રહ્યો છે તેમ છતાં ફેક્ટરી-કારખાના માલિકો પર સરકારના ચાર હાથ રહ્યાં છે. હપ્તારાજને લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટરો ફેક્ટરી-કારખાનાનું ઓચિંતી તપાસ-ઇન્સ્પેકશન કરતાં નથી. ઉલ્લેખનીય છે કે, થોડાં વખત પહેલાં જ નારોલ ફેક્ટરીમાં ગેસગળતર થતાં બે લોકો એ જીવ ગુમાવ્યા અને 4 શ્રમિકોની ગંભીર પરિસ્થિતિ છે. થોડાં સમય પેહલા કચ્છ, વડોદરામાં ફેક્ટરી અકસ્માતના કિસ્સામાં નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી 'SIT' નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા

આમ, ગુજરાત સરકાર અને શ્રમ રોજગાર વિભાગની નિષ્ક્રિયતાના પાપે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આગ દુર્ઘટના કે અકસ્માત થાય ત્યારે તપાસના આદેશના નાટક કરવામાં આવે છે.


Tags :