ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 4 લાખથી વધુ મત NOTAમાં પડયા હતા, આ બેઠકો પર સૌથી વધુ

સમગ્ર દેશમાં 65 લાખ મતો કોઇ ઉમેદવારને ન મળ્યા

વિવિધ પક્ષોના ઉમેદવારો આદિવાસી વિસ્તારમાં માફક આવ્યા નહીં, સૌથી વધુ 32868 છોટા ઉદેપુરમાં

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 4 લાખથી વધુ મત NOTAમાં પડયા હતા, આ બેઠકો પર સૌથી વધુ 1 - image


NOTA in Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ભારતના ચૂંટણી પંચે જેની વ્યવસ્થા કરી છે તે નન ઓફ ધ અબોવ (NOTA)માં મતદારો ત્યારે મત નાંખે છે કે જે જ્યારે તેને ઉમેદવાર પસંદ આવતો નથી. 2019ની છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાં ચાર લાખ મતદારોને ઉમેદવારો પસંદ નહીં આવતાં તેમણે નોટામાં તેમના મત નાંખ્યા હતા.

કુલ મતદાનના માત્ર 1.38 ટકા મતો નોટામાં પડયા

નોટાના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારની હાર-જીત પર અસર થતી હશે પરંતુ વિશાળ મતદારો હોય છે તેવી લોકસભાની ચૂંટણીમાં તેની અસર જોવા મળતી નથી. જો કે તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો નોટાથી ગભરાય છે, કારણ કે આ ઉમેદવાર તદ્દન આભાસી છે. ગુજરાતની એકપણ બેઠકમાં નોટા કારણે ઉમેદવારોને અસર થઇ ન હતી, કારણ કે કુલ મતદાનના માત્ર 1.38 ટકા મતો નોટામાં પડયા હતા.

આદિવાસી મતદારો ધરાવતી બેઠકો પર નોટાનો સૌથી વધુ ઉપયોગ 

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં 65.2 લાખ કરતાં વધુ મતદારોએ નોટા પર પસંદગી ઉતારી હતી, જે પૈકી ગુજરાતમાં 396580 મતદારોએ નોટાને પસંદ કર્યું હતું. રાજ્યમાં નોટાનો સૌથી વધારે ઉપયોગ આદિવાસી મતદારો ધરાવતી બેઠકો પર થયો હતો. છેલ્લી ચૂંટણીમાં ગુજરાતમાં 64.51 ટકા મતદાન થયું હતું જેમાં કુલ 4.51 કરોડ પૈકી 2.91 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં 1.30 કરોડ લોકોએ નોટાને પસંદ કર્યું

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહત્તમ મતદાન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમ છતાં ઉમેદવારો અને પાર્ટીથી નારાજ થયેલા જે લોકો મતદાન કરવા તો જાય છે પરંતુ કોઇ ઉમેદવારને મત આપવાના બદલે નોટામાં મત નાંખીને આવે છે. 2019ની ચૂંટણીમાં 400932 લોકોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. નોટાનો સૌથી વધુ ઉપયોગ છોટાઉદેપુર, દાહોદ, વલસાડ અને પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારોમાં થયો હતો. ગાંધીનગર બેઠકમાં પણ 14000 કરતાં વધુ મતો નોટામાં પડયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ચૂંટણીમાં વપરાતા ઇવીએમમાં નોટાનું બટન સપ્ટેમ્બર 2013માં ઉમેરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઇએ તો 1.30 કરોડ લોકોએ નોટાને પસંદ કર્યું હતું. નાપસંદ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવતા મતદારો આ વિકલ્પ પસંદ કરતા હોય છે.

લોકસભા બેઠક અને નોટા હેઠળના મતો...

ગાંધીનગર 14214

અમદાવાદ-ઉ 14719

અમદાવાદ-ઈ 9008

સાબરકાંઠા 6103

મહેસાણા 12067

બનાસકાંઠા 12728

પાટણ 14327

આણંદ 18392

ભરૂચ 6321

ખેડા 18277

દાહોદ 31936

પંચમહાલ 20133

વડોદરા 16999

છોટા ઉદેપુર 32868

ભાવનગર 16383

સુરેન્દ્રનગર 8787

કચ્છ 18761

રાજકોટ 18318

જૂનાગઢ 15599

પોરબંદર 7840

જામનગર 7799

અમરેલી 17567

નવસારી 9033

બારડોલી 2291

વલસાડ 19309

સુરત 10532

ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 4 લાખથી વધુ મત NOTAમાં પડયા હતા, આ બેઠકો પર સૌથી વધુ 2 - image


Google NewsGoogle News