ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો : માનસિક બિમાર વ્યકિતના ગાર્ડિયન તેના તરફથી વીલ કરી શકે નહી
Guardian cannot make will on behalf of mentally challenged landmark: ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિઅન તેમની રીતે વીલ-વસિયત કરી શકે નહી. હાઇકોર્ટે માનસિક બિમાર વ્યકિતના ગાર્ડિઅન તરીકે નીમાયેલા અને તેના તરફથી વીલ કરનાર મેનેજરની અપીલ ફગાવતાં આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આવા કિસ્સામાં માનસિક બિમાર વ્યકિતનો ઇરાદો અને અભિવ્યકિતની મર્યાદિતતાનો મુદ્દો ધ્યાને લઇ આ ચુકાદો આપ્યો હતો. માનસિક બિમાર વ્યકિતમાં સભાન અવસ્થાનો અભાવ સહિતના મુદ્દાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.
શું છે મામલો?
આ કેસની વિગત એવી છે કે, વડોદરાના પૂર્વ એડવોકેટ વિનાયક રાવ દેસાઇ તેમના માલિકની પુત્રી શ્રધ્ધા મજમુદારની કરોડો રૂપિયાની સંપત્તિની દેખરેખ રાખતા હતા. તેણી પીએચડી સાથે લેકચરર થઇ હતી પરંતુ તે ક્રોનીક સીઝોફ્રેનિયાનો શિકાર બની હતી અને તેના સગાવ્હાલાઓએ પણ તેનાથી મોં ફેરવી લીધુ હતું ત્યારે તેવા સંજોગોમાં વડોદરા ડિસ્ટ્રીક કોર્ટે એડવોકેટ દેસાઇને મજમુદારની કરોડો રૂપિયાની સંપત્તિની દેખરેખ માટે મેનેજર તરીકે નીમાયા હતા. બાદમાં દેસાઇએ સ્થાનિક જિલ્લા કલેકટરને મિલ્કતની દેખરેખની જવાબદારી સ્વીકારવા સૂચન કર્યું હતુ પરંતુ જિલ્લા કલેકટરે જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિઅન વીલ કરી શકે નહી
દરમ્યાન મજમુદારના ભત્રીજાએ સિવિલ કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે, હાઇકોર્ટે સંપત્તિની દેખરેખ માટે મેનેજર તરીકે દેસાઇની નિયુક્તિને યથાર્થ ઠરાવી હતી. દરમ્યાન 2018માં 76 વર્ષની ઉમરે મહિલાનું નિધન થઇ ગયુ હતું. જેને પગલે દેસાઇએ આ પ્રકારના માનસિક બિમાર વ્યકિતઓના કલ્યાણ અર્થે શ્રધ્ધાંજલિ મનોચિકિત્સક ટ્રસ્ટ બનાવ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે, શ્રધ્ધા મજમુદારની સંપત્તિ આ ટ્રસ્ટની કલ્યાણકારી પ્રવૃત્તિમાં ખર્ચ થાય. તેથી તેમણે 2016માં આ અંગેનું વીલ-વસિયતનામું બનાવ્યું હતુ અને વીલના પ્રોબેટ માટે કોર્ટમાં ગયા હતા. જો કે, મજમુદાર વતી તેમના મેનેજર તરીકે વીલ બનાવવાના તેમના નિર્ણયને કોર્ટે ગેરકાયદે અને અયોગ્ય ઠરાવ્યો હતો. હાઇકોર્ટે તેમની અરજી ફગાવતાં જણાવ્યું કે, વીલ એ કોઇપણ વ્યકિતનો તેના મૃત્યુ બાદ તેની મિલ્કતને લઇ સભાન અવસ્થામાં કરવામાં આવતો નિર્ણય છે., જે સભાન અવસ્થાનો માનસિક બિમાર વ્યકિતમાં અભાવ વર્તાય છે ત્યારે આવી માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિઅન આ પ્રકારનું વીલ કરી શકે નહી.