અલકાપુરી વિસ્તારમાં જીએસટી વિભાગની ફેશન શોરૃમમાં તપાસ
બ્રાઈડલ વેર, કપલવેર રેડિમેડ ચોલી, ભાડે આપતા અને વેચતા વેપારીઓ પર બે દિવસથી તવાઈ
વડોદરા, વડોદરામાં જીએસટી વિભાગ દ્વારા લગ્નસરાની સિઝન જામી છે, ત્યારે વેડિંગ જ્વેલરી અને લગ્નના રેડિમેડ ડ્રેસ વગેરે ભાડે આપતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે બીજા દિવસે અલકાપુરી વિસ્તારમાં એક ફેશન-શોરૃમ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
રેડિમેડ ચોલી, બ્રાઈડલવેર, શૂટ શેરવાની, કપલવેર વગેરે ભાડેથી આપતા અને ડિઝાઈનર કપડાં વેચતા આ વેપારીના વિશાળ શોરૃમ પર અધિકારીઓએ પહોંચીને હિસાબોની ચકાસણી શરૃ કરી હતી.હજી ગઈકાલે પણ સુલતાનપુરા, રાવપુરા અને ઘડિયાળી પોળમાં આ પ્રકારના વેપારીને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હતી.
જીએસટી વિભાગને એવી બાતમી પ્રાપ્ત થઈ હતી કે, આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાંથી અમુક લોકો દ્વારા પૂરેપૂરો ટેક્સ ભરવામાં આવતો નથી. જેથી તેઓએ કરચોરી કરી છે કે કેમ ? તેની તપાસ હિસાબોની ચકાસણીની દ્વારા કરવામાં આવી રહી છે. વેપારીઓના બિલો વિના કરવામાં આવતો ધંધો, ખરીદ વેચાણના આંકડા, માલનો સ્ટોક, વેચાણના આંકડા, ખરીદી વગેરેને લગતી માહિતી અધિકારીઓ એકત્રિત કરી રહ્યા છે.