ભાવિકોના રોષ પછી એસ.ટી.ની પીછેહઠ, અંબાજીથી ગબ્બરનું ભાડું રૂ. 20ના બદલે 15 લેવાનો નિર્ણય
Ambaji to Gabbar's fare Reduce : વિશ્વ પ્રખ્યાત 51 શક્તિપીઠ એવા અંબાજી ધામમાં ભાદરવી મહા કુંભનો મેળો જામ્યો છે. આ મેળામાં દૂર દૂરથી યાત્રિકો યાત્રાએ આવી રહ્યા છે. અંબાજીથી ગબ્બર પણ નજીક હોવાથી યાત્રિકો બસમાં મા અંબેના પ્રાગટ્યધામ ગબ્બરની યાત્રા કરે છે. ત્યારે અચાનક મેળા સમયમાં એસટી નિગમે અંબાજીથી ગબ્બરના ભાડામાં રૂ.7 નો તોતિંગ વધારો કર્યો હતો.
સવાયું ભાડુ વસૂલવાનો નિર્ણય એકજ દિવસમાં પાછો ખેંચાયો
જોકે અગાઉ આ ભાડું રૂ.13 લેવાયું હતું. જે વધારી રૂ. 20 કરાયું હતું. જોકે આ વિવાદ વકરતા આખરે એસટી નિગમે પીછેહઠ કરી આ ભાડામાં પાંચ રૂપિયાનો ઘટાડો કરી, વિવાદ શાંત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.
અંબાજીમાં મહાકુંભ મેળામાં એસટી નિગમ વધારાની બસો દોડાવી રહી છે. જેમાં આ મેળામાં એસટી નિગમે અંબાજી થી ગબ્બર ની યાત્રાનો ભાડું 13 હતું તે વધારીને 20 રૂપિયા કર્યું હતું. જેથી માઈ ભક્તો ની લાગણી દુભાઈ હતી. અને એસટી નિગમ નો આ ભાવ વધારો સોશિયલ મીડિયામાં તેમજ માઘ્યમોમાં એસટીની લૂંટ તરીકે ચીતરાયો હતો.
આ મામલે બનાસકાંઠા એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, આ ભાવ વધારો માત્ર એક દિવસ સુધી ચાલ્યો હતો અને ગતરાતે તેનું અમલીકરણ વડી કચેરીની સૂચના આધારે બંધ કરવામાં આવ્યું છે.