ધો.10-12ના પરિણામો જાહેર કરવા માટે બોર્ડે તૈયારીઓ શરૂ કરી, જાણો ક્યારે જાહેર થઈ શકે છે પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અંતિમ તબક્કામાં જાહેર થાય તેવી શકયતા
ધોરણ 10 નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ પરિણામ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ
ગાંધીનગર, તા.21 એપ્રિલ-2023, શુક્રવાર
તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
તાજેતરમાં લેવાઈ હતી ધો.10 અને 12ની પરીક્ષા
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી. દરમિયાન
પરિક્ષામાં આટલા વિદ્યાર્થીઓ રહ્યા હતા હાજર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27/03/2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (SSC)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહના ચિત્રકામ સૈદ્ધાંતિક, ચિત્રકામ પ્રાયોગિક, હેલ્થકેર, રીટેઈલ, બ્યુટી એન્ડ વેલનેશ, એગ્રિકલ્ચર, અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ, ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ-14899 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-14556 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં. બીજા સેશનમાં સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં જીવ વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર વિષયોની પરીક્ષામાં કુલ 110109 પરીક્ષાર્થીઓ પૈકી કુલ 108934 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.
સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું ધો.12 સા.પ્ર.નું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર
ધોરણ-12 સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પ્રશ્નપત્ર તા.27/03/2023ના રોજ બપોરના 3.00 કલાકથી શરૂ થયું હતું. આ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા ફરતું થયાની જાણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને બપોરે 4.45 કલાકે થઈ હતી. તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પરીક્ષા માટે બપોરના બપોરે 2:30 કલાકે બેસી જાય છે અને બપોરે 3.00 કલાકે પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપી દેવાયું હતું. પેપર શરૂ થઈ ગયા બાદ સોશીયલ મીડિયામાં આવેલ હોવાથી પેપર ફૂટ્યુ કે લીક થયું ન હોવાનો શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું. ઉપરાંત બોર્ડે જણાવ્યું હતું કે, કોઈ તત્ત્વોએ જાણીને આવી કાર્યવાહી કરી હોય તેમ પ્રાથમિક દ્રષ્ટીએ જણાય છે.