Get The App

ગરમા-ગરમ લાઈવ ફાફડાની વિસરાતી પરંપરા : દશેરાના દિવસે બોક્સ પેકિંગ ફાફડા-જલેબીનો વધતો ટ્રેન્ડ

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ગરમા-ગરમ લાઈવ ફાફડાની વિસરાતી પરંપરા : દશેરાના દિવસે બોક્સ પેકિંગ ફાફડા-જલેબીનો વધતો ટ્રેન્ડ 1 - image


Fafda-Jalebi on Dussehra : સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી દશેરા પહેલા વરસાદી માહોલ જોવા મળે છે અને કેટલીક વખત વરસાદ પણ વરસી રહ્યો છે. આ વખતે પણ ગઈકાલે સુરતમાં ચોમાસુ જામ્યું હોય તેવો વરસાદ વરસ્યો હતો. દશેરા પહેલા વરસાદી હોવાથી સુરતમાં હવે લાઈવ ફાફડાના બદલે પેકિંગમાં ફાફડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે હવે કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક કે પૂંઠાના કન્ટેનર તો કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક બેગમાં પેકિંગ કરેલા ફાફડાનું વેચાણ થઈ રહ્યું છે. 

ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મુકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી સુરતીઓ ઝાપટી જશે. જોકે, હવે તહેવારની ઉજવણી કરવા માટે સુરતીઓ પાસે સમયનો અભાવ જોવા મળે છે ઉપરાંત હાલ દશેરાની આસપાસ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે દશેરામાં ખવાતા ફાફડા અને જલેબીનું પેકીંગમાં વેચાણ શરું થયું છે. 

પ્લાસ્ટિક કન્ટેનરમાં ફાફડા પેકીંગ કરીને વેચતા શૈલેશ પટેલ કહે છે, છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીમાં વરસાદ સાથે ભેજવાળું વાતાવરણ હોય છે. તેથી ફાફડા ખુલ્લા હોય અને પેક કરી આપવામાં આવે તો ઘણી વાર ફાફડા હવાઈ જવાની ફરિયાદ વધતી હતી. તેથી પ્લાસ્ટિક કન્ટેનરમાં ફાફડા પેકીંગ કરીને ગ્રાહકોને આપવાથી ગ્રાહકો સાથે વેપારીઓનો પણ સમય બચે છે અને ફાફડા તુટવાનો ભય રહેતો નથી. હવે લોકો પણ સામેથી પેકિંગવાળા ફાફડાની ડિમાન્ડ કરી રહ્યાં છે.

ગરમા-ગરમ લાઈવ ફાફડાની વિસરાતી પરંપરા : દશેરાના દિવસે બોક્સ પેકિંગ ફાફડા-જલેબીનો વધતો ટ્રેન્ડ 2 - image

તો બીજી તરફ કોઝવે નજીક ફાફડા-જલેબીનું વેચાણ કરતા મહેશ પટેલ કહે છે, અમારે ત્યાં નાયલોન ફાફડાનું વેચાણ થાય છે આ ફાફડા તરત તુટી જાય તેવા ફરસા હોય છે તેથી અમે ફાફડા પેકીંગ માટે બોક્સ બનાવ્યા છે અને તેમાં જ ફાફડા પેકીંગ કરીને આપીએ છીએ. આવી રીતે બોક્સમાં પેકીંગ કરવામાં આવતા હોવાથી ઉતાવળે ફાફડા પેકીંગની ઝંઝટ મટી જાય છે અને ગ્રાહકોને ફાફડા ટુકડા થઈ જતા નથી.

હજી પણ કેટલાક શોખીનો લાઈવ ફાફડાનો જ આગ્રહ રાખે છે   

સુરતમાં દશેરાની આસપાસ વરસાદ પડતો હોવાથી છેલ્લા બે ત્રણ વર્ષથી પ્લાસ્ટિક કન્ટેનર કે બોક્સમાં પેકિંગમાં ફાફડા વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, હજુ પણ કેટલાક લોકો લાઈવ ફાફડાનો આગ્રહ રાખે છે તેના કારણે દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ કરતી દુકાનો પર લોકોની લાઈન જોવા મળે છે.   જેના કારણે કેટલાક વેપારીઓ પેકિંગમાં ફાફડા સાથે લાઈવ ફાફડા પણ બનાવી વેચાણ કરે છે. જોકે, મોટા ભાગના લોકોને લાઈનમાં ઉભા રહેવું પસંદ ન હોવાથી લાઈવ ફાફડાના બદલે પેકિંગવાળા ફાફડા લઈ જાય છે. તો વળી કેટલાક લોકો એક દશેરાની આગલી રાત્રે જ ફાફડા અને જલેબીની ખરીદી કરે છે અને બીજા દિવસે તેની જયાફત માણી રહ્યાં છે.

ગરમા-ગરમ લાઈવ ફાફડાની વિસરાતી પરંપરા : દશેરાના દિવસે બોક્સ પેકિંગ ફાફડા-જલેબીનો વધતો ટ્રેન્ડ 3 - image

પ્લાસ્ટિક કન્ટેનરની ડિમાન્ડ વધતા માલની અછત 

સુરતમાં આ વર્ષે દશેરામાં ફાફડા પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરીને વેચાણ ટ્રેન્ડ શરૂ થતાં પ્લાસ્ટિકના કન્ટેઈનરનું વેચાણ કરનારાઓને પણ તડાકો થયો છે.  અચાનક જ  પ્લાસ્ટિક કન્ટેનર ડિમાન્ડમાં વધારો થતા પ્લાસ્ટિક કન્ટેનર માલની શોર્ટેજ ઉભી થઈ છે.

વેપારીઓ 250 ગ્રામ અને 500 ગ્રામના પેકીંગ પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરતાં હોવાથી અચાનક જ આ સાઈજના કન્ટેનરની માગ વધી ગઈ છે. જેના કારણે આવા કન્ટેરનું વેચાણ કરનારાઓને પણ તડાકો થઈ રહ્યો છે.


Google NewsGoogle News