Get The App

ગુજરાતી કહેવત ખોટી પાડતો વીડિયો, એકસાથે 12 સિંહોનું ટોળું શિકારની શોધમાં નીકળ્યું

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
ગુજરાતી કહેવત ખોટી પાડતો વીડિયો, એકસાથે 12 સિંહોનું ટોળું શિકારની શોધમાં નીકળ્યું 1 - image


Lion Family in Gir: સૌરાષ્ટ્ર-અમરેલી પંથકમાં અવાર-નવાર સિંહો આવી ચડતા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર આના સીસીટીવી ફૂટેજ અને વીડિયો વાયરલ થતા હોય છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર એકાદ-બે સિંહો શિકારની શોધમાં આવી ચડતા હોય છે, ક્યારે સ્થાનિકો પર હુમલાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે હાલમાં અમરેલી-રાજુલાના કોવાયા ગામમાં એક સાથે 12 સાવજોનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. આમ કહેવાય છે કે સિંહોના ટોળા ના હોય... પરંતુ આ વીડિયો જોયા બાદ ગુજરાતી કહેવત પણ ખોટી પુરવાર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. 

ગીર વિસ્તાર સિંહોનું સામ્રાજ્ય ગણાય છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સિંહો હવે જંગલમાંથી શહેરી અને ગ્રામીણ વિસ્તારો તરફ વળ્યા છે, અનેકવાર લોકોના ઘર સુધી પણ પહોંચી ગયા છે અને લોકો પર હુમલા કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે. 

આવા સમયે અમરેલી-રાજુલાના કોવાયા ગામમાં એક સાથે 12 સાવજનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યું હતું. કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સિંહ, સિંહણ અને સિંહબાળ સહિતનો આખો પરિવાર શિકારની શોધમાં અચાનક રોડ પર જોવા મળતાં ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઇલમાં વીડિયો ઉતારી લેતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


Google NewsGoogle News