વડોદરાના સાવલીમાં ડીજેમાં "વાતો કરે વાયડા, કરી બતાવે તે..." ગીત વગાડ્યા બાદ ધીંગાણું
image : Filephoto
Ganesh Visarjan Clash at Vadodara : વડોદરા જિલ્લાના સાવલીમાં ડીજેમાં ગીત વગાડવા બદલ રોકવા જતા ચાર લોકોએ હુમલો કર્યો હતો. દરમિયાન બચાવવા પડેલા ફરિયાદીની પરિચિતોને પણ માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે સમગ્ર મામલે હુમલાખોરો સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાવલી પોલીસ મથકમાં કનકસિંહ વિનોદસિંહ ગોહીલ (રહે. નરભાપુરા, સાવલી)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તાજેતરમાં તેઓ ઘરે હાજર હતા ત્યારે ઘર પાસેથી પસાર થતી ગણેશજીની વિસર્જન યાત્રામાં ડી.જે. વાગી રહ્યું હતું.
આ પણ વાંચો : નિર્દોષ વ્યક્તિને લાત મારવી પીઆઈને ત્રણ લાખમાં પડી, હાઈકોર્ટે બધી હવા કાઢી નાંખી
જેમાં વાતો કરે વાયડા, કરી બતાવે... ગીત વાગતું હતું. જેથી તેમણે ઘર આગળ આ ગીત નહી વગાડવા માટે જણાવ્યું હતું. બાદમાં તેમના જ ગામના ભાર્ગવ નટવરસિંગ રાઠોડ, જીગ્નેશ રમેશ રાઠોડ, ઇશ્વર રાજેન્દ્રસિંહ રાઠોડ અને કલ્પેશ રયજી રાઠોડ ઉશ્કેરાઇ ગયા હતા અને કહેવા લાગ્યા કે, ગીતો તો વાગશે જ. બાદમાં જીગ્નેશ રાઠોડે નજીકમાંથી દંડો લઇને મારવાનું ચાલુ કર્યું હતું. તે સમયે બચવા જતા દંડો હાથના ભાગે વાગી ગયો હતો. તેવામાં અન્ય પરિજનો તથા પરિચીતો દોડી આવ્યા હતા.
જો કે, તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આખરે ટોળું એકત્ર થઇ જતા તમામ ગાળો બોલતા કહેવા લાગ્યા કે, હવે તમને છોડવાના નથી. બીજી વાર મળ્યા તો તમારા ટાંટીયા તોડી નાંખીશું. તેવી ધમકી આપતા જતા રહ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઝઘડો થવાનું કારણ ચાલુ વર્ષે ઉનાળામાં ફરિયાદીના ઘર પાસે લીમડાનું ઝાડ આવેલું હતું જેને લગ્ન સમયે ફળિયાના લોકો દ્વારા વરઘોડામાં નડતરરૂપ થતા તેને કાપી નાંખવા જણાવ્યું હતું. જો કે, ફરિયાદીએ તે વાતનો વિરોધ કર્યો હતો. જેની અદાવતમાં આ મારામારી થઇ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આખરે ઉપરોક્ત મામલે ભાર્ગવ નટવરસિંગ રાઠોડ, જીગ્નેશ રમેશભાઇ રાઠોડ, ઇશ્વરભાઇ રાજેન્દ્રસિંહ રાઠોડ અને કલ્પેશભાઇ રયજીભાઇ રાઠોડ (તમામ રહે, તુલસીપુરા, સાવલી) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.