ઉછીના આપેલા રૂ.20,000ની ઉઘરાણીમાં બરાનપુરામાં ધીંગાણું : છ લોકોને ઈજા, સામ-સામે ફરિયાદ
Vadodara Crime : વડોદરામાં બરાનપુરા વિઠ્ઠલવાડીમાં રહેતા શ્રમજીવી વિજય રમેશભાઈ ચુનારા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે 9:00 વાગે જમીને હું મારી પત્નીને લેવા માટે ચાલતો ઘરેથી નીકળ્યો હતો. ધવલ મેડિકલ સ્ટોર ગીતામંદિર પાસે સાગર ચુનારા તથા સન્ની ચુનારા ઉભા હતા સાગર ચુનારાએ મને કહ્યું કે મેં તને સાત મહિના પહેલા 20,000 ઉછીના આપ્યા છે તે તું મને ક્યારે પાછા આપીશ. મેં તેને જણાવ્યું હતું કે હાલમાં વેપાર ધંધો બરાબર ચાલતો નથી ધંધો સારો ચાલશે ત્યારે હું તને તારા રૂપિયા પરત આપી દઈશ. સાગરે એકદમ ઉસકેરાઈને મારી સાથે જપાજપી શરૂ કરી હતી.
ત્યારબાદ હું ત્યાંથી મારા ઘરે પરત આવી ગયો હતો. થોડીવાર પછી સાગર ચુનારા મયુર ચુનારા તથા રાજ ચુનારા મારા ઘરની બહાર બૂમો પાડતા હતા. તેઓએ મારા ઘર તરફ પેવર બ્લોકના પથ્થર છૂટા ફેંક્યા હતા. સાગરે મને માથાના ભાગે લોખંડની પાઇપ મારી હતી મારો ભાઈ મને છોડાવવા વચ્ચે પડતા સાગર તથા અન્ય હુમલાખોરોએ પેવર બ્લોકના છૂટા પથ્થર મારતા તેઓને પણ ઈજા થઈ હતી. લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. સામા પક્ષે સાગર ચુનારાએ વિજય તથા સુનીલ તથા અનિકેત તથા દેવ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. વાડી પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.