વડોદરામાં રાહતના સમાચાર વચ્ચે આફત યથાવત, 4 દિવસ બાદ પણ દયનીય હાલત, મગરો નગરચર્યાએ નીકળ્યા
Vadodara in Flood : રાજ્યમાં ગત ચાર દિવસથી ખાબકી રહેલા વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના લીધે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં શહેરમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે આજે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતો નદીની સપાટી 32.25 ફૂટ પહોંચી ગઇ છે. જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઓસરવાનું શરૂ થઇ ગયું છે.
તમને જણાવી દઇએ કે અડધું શહેર પૂરના પાણીમાં જળમગ્ન બની જતાં અનેક વિસ્તારોમાં અંધાટપટ છવાઇ ગયો હતો. હજારો પરિવાર દૂધ અને પાણી માટે ફાંફા મારતા જોવા મળ્યા હતા. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતાં વડોદરાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વાસણ, અકોટા, જેતલપુર અને દિવાળીપુરામાં પાણી ઓસરવાનું શરૂ થઇ ગયું છે.
આ પણ વાંચો : સરકારના બે મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ‘ફ્લડ ટુરિઝમ’ કરીને રવાના
વડોદરામાં સ્કૂલો, કોલેજો અને એમએસયુમાં વધુ એક દિવસ રજા જાહેર
વડોદરા શહેરમાં પૂરની સ્થિતિના કારણે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલોમાં, એમ.એસ.યુનિવર્સિટી તેમજ ખાનગી કોલેજોમાં તા.29 ઓગસ્ટ, ગુરુવારે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી ઓસરી રહ્યા નહીં હોવાના કારણે સંખ્યાબંધ વિસ્તારો હજી પણ પાણીમાં છે ત્યારે વધુ એક દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જોકે ઘણા વાલીઓનું એવુ પણ કહેવું છે કે, વડોદરામાં પૂરના પાણી ધારો કે ઉતરી જાય તો પણ સફાઈના પ્રશ્નો સર્જાવાના છે. આ સંજોગોમાં સ્કૂલો અને કોલેજોમાં 30 ઓગસ્ટ સુધી રજા જાહેર કરી દેવી જોઈએ.જેથી રોજે રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓેને મૂંઝાવાનો વારો ના આવે.
આ પણ વાંચો : વડોદરામાં પૂરમાં ફસાયેલા હજારો પરિવારોના દૂધ-પાણી માટે વલખાં, બે દિવસથી મદદ પહોંચી નથી, મોબાઈલ પણ બંધ થયા
વિશ્વામિત્રી નદીના પૂરે એક યુવાન સહિત બેના ભોગ લીધા
શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે એક 35 વર્ષના યુવક અને એક આડેધ વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. તરસાલી વિસ્તારમાંથી અને હરની રોડ પરથી બંનેના મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી ઉતર્યા ત્યારબાદ આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને શહેરમાં તારાજી સરજી હતી. વિશ્વામિત્ર નદીના આજુબાજુના વિસ્તારમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયા હતા.
તરસાલી વુડાના મકાનની પાછળ કેનાલ પાસે માતા અને પુત્ર રહેતા હતા. માતાનું આઠ મહિના પહેલા અવસાન થયા પછી પુત્ર એકલો જ રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં ફરતો હતો. આજે સવારે પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ મકરપુરા પોલીસને જાણ કરી હતી.
મકરપુરા પોલીસે સ્થળ પર જઈને ડેડબોડી બહાર કાઢી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પરંતુ પોસ્ટ મોર્ટમ રૂમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી પીએમ થઈ શક્યું ન હતું. મૃતકનું નામ પોલીસને જાણવા મળ્યું નથી.જ્યારે અન્ય એક બનાવમાં હરણી રોડ પરથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી આ મૃતદેહ આગળથી પાણીમાં તણાઈને આવ્યો હોવાનો પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો : વડોદરા: હોસ્પિટલમાં પીવાનું પાણી અને દૂધ પહોંચાડવા માટે પણ તરાપાનો સહારો લેવો પડ્યો
હરણી વિસ્તારમાં એરફોર્સના હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ પહોંચાડાયા
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. હરણીના મોટનાથ મહાદેવની આસપાસ આવેલી સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો ત્રણ દિવસથી પાણીમાં છે અને અહીંયા પાણીનું વહેણ પણ કેટલીક જગ્યાએ ઘણું વધારે હોવાથી રાહત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે. જેના કારણે આજે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી હરણી વિસ્તારમાં કેટલાક બિલ્ડિંગો પર ફૂડ પેકેટ નાંખવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તાર હેલિકોપ્ટરની ઘરેરાટાથી ગાજી ઉઠ્યો હતો.
વિશ્વામિત્રીના પાણીની સાથે મગરોની એન્ટ્રી, બે સ્થળે મગરનું રેસ્ક્યુ
વિશ્વામિત્રી નદીમાં મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે અને નદીના પાણી શહેરના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગયા છે, ત્યારે પાણીની સાથે મગરોની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. વિશ્વામિત્રી નદીમાં અંદાજે 400 થી વધુ મગર વસવાટ કરી રહ્યા છે તેમજ આસપાસની નદીઓ તળાવ અને નાળાઓમાં પણ મગરો આશરો લઈ રહ્યા છે. ત્યારે વિશ્વામિત્રીના પાણીની સાથે સાથે મગરો પણ રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. આ પૈકી વારસિયાના ધોબી તળાવ નજીકથી 6 ફૂટના મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે માંજલપુર પોલીસ સ્ટેશન નજીકથી પણ પાંચેક ફૂટના એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના પૂર્વગ્રસ્ત વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ લોકોએ મગર જોયા હોવાની વિગતો પ્રાપ્ત છે.