લગ્ન પ્રસંગમાં ગઠીયાનો હાથફેરો : શરીર પર ખંજવાળનો પાવડર નાખી વરરાજાની માતાનું પર્સ ઉઠાવ્યું, 4.90 લાખની મત્તા મહિલાએ ગુમાવી
Vadodara Theft Case : વડોદરા નજીક આવેલા વેમાલી ગામ પાસેના એક પાર્ટી પ્લોટમાં ઘૂસી ગયેલો ગઠિયો વરરાજાની માતા પર ખંજવાળ આવે તેવો પાવડર નાખી ચપળતાપૂર્વક રોકડ અને દાગીના મળી કુલ 4.90 લાખની કિમતી વસ્તુઓ મૂકેલું પર્સ તફડાવી ગયો હતો.
વડોદરામાં એરપોર્ટ સર્કલ પાસે હીરાનગર સોસાયટીમાં રહેતા હિરેન શાંતિભાઈ પટેલે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો ભાણેજ જેનિસ જે હાલ કેનેડામાં રહે છે તેના લગ્ન હોવાથી તે વડોદરા આવ્યો છે. તારીખ 22 ના રોજ તેના લગ્ન વડોદરાની અમદાવાદી પોળમાં રહેતી ક્રિના પરેશ જીનગર સાથે નક્કી થયા હતા અને સાસરી પક્ષ તરફથી વેમાલી ખાતે સ્કાય ગાર્ડન પાર્ટી પ્લોટ નક્કી કર્યો હતો.
તારીખ 22 ના રોજ અમે જાન લઈને પાર્ટી પ્લોટ પર પહોંચ્યા હતા બાદમાં લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે સંબંધીઓ મિત્રો તરફથી મળેલ ગિફ્ટ, ચાલાના કવરો મેં મારી બહેન બીનીતાને આપ્યા હતા. આ વસ્તુઓ તેને તેના બ્રાઉન કલરની બેગમાં મૂકી હતી. રાત્રે 11:00 વાગે મારી બહેન બીનીતાને બરડાના ભાગે ખંજવાળ આવતા મારી પત્ની પારૂલને મદદ માટે બોલાવી હતી ત્યારે મારી બહેને બેગ મંડપ પાસે મૂકી હતી. થોડીવાર પછી બેગ લેવા જતા તે જણાતી ન હતી. જેથી લગ્નમાં મહેમાન બનીને આવેલો કોઈ ગઠિયો ખંજવાળ માટેનો પાવડર શરીર પર નાખી બે IPhone, સોનાની ચાર તોલાની ચેન, રોકડ રકમ મુકેલ 30 કવરો, પોણા બે લાખ રોકડ મળી કુલ 4.90 લાખની મત્તા મૂકેલ પર્સ તફડાવી ગયો હતો.