જામનગરના જોડીયામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત
Jamnagar : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) તેના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રથમ "ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન" શરૂ કરેલ છે. કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં 25 દિવસોમાં 6,553 કિમીની કઠોર યાત્રા પર 14 મહિલાઓ સહિત કુલ 125 સમર્પિત સી.આઈ.એસ.એફ. સાયકલ સવારો નીકળ્યા છે.
સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારતની પ્રેરણાદાયી થીમ હેઠળ, આ પહેલનો હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે, જેમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકો સહિત દાણચોરી દ્વારા ઉભા થતા જોખમોને પ્રકાશિત કરવામાં આવશે.
જોડિયા ખાતે સીઆઈએફના જવાનો આ કાર્યક્રમ અંતર્ગત સાઇકલ યાત્રા લખપતથી દરિયાઈ માર્ગે જોડિયા ગામે આવતા, એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કાર્યક્રમમાં જોડિયાની સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વી.કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ એક સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ત્રણ કૃતિ “વંદે માતરમ”, ગુજરાતી ગીત અને ગુજરાતી રાસ તૈયાર કરી દીકરીઓ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગરના અગ્રણીઓ, જોડિયા ગામના અગ્રણીઓ અને સીએફના અધિકારીઓ અને રાજકોટ એરપોર્ટના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સુંદર રીતે રજૂ કરનાર વિદ્યાર્થિનીઓનું અને હુન્નરશાળાનું સી.આઈ.એસ.એફ. દ્વારા સન્માનપત્ર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.