ભાવનગરના સોનગઢ ખાતે યોજાશે ભવ્ય પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, 20 હજાર લોકો જોડાશે

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
ભાવનગરના સોનગઢ ખાતે યોજાશે ભવ્ય પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, 20 હજાર લોકો જોડાશે 1 - image


ભાવનગર જિલ્લાના સોનગઢની પવિત્ર તપો ભૂમિમાં ૩૮ વર્ષ પછી ફરી વખત શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા મહા મંગલકારી જિનબિંબોના શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૧૯ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી સુધી યોજાનાર છે જેના કારણે સમગ્ર મુમુક્ષુ સમાજમાં અનેરો ઉત્સાહ – આનંદ વર્તી રહ્યો છે  જેમાં ભારતભરમાંથી તેમજ વિદેશના અનેક દેશોમાંથી અંદાજિત ૨૦ હજાર લોકો આ મહોત્સવમાં જોડાશે . 

આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન નાં પુત્ર   મુનીશ્વરશ્રી બાહુબલી ભગવાનની ઉન્નત ૪૧ ફૂટની ખડગાસન પ્રતિમાજી જે ૫૦ ફૂટના પહાડ ઉપર બિરાજમાન કરવામાં આવશે. ૫૦ ફૂટનો પર્વત અને ૪૧ ફૂટની પ્રતિમા એમ કુલ ૯૧ ફૂટ પૂજ્ય કાનજીસ્વામીના ૯૧ વર્ષના આયુષ્યના સ્મૃતિ રૂપે છે. આશરે ૧૦૪૨ વર્ષ પહેલા કર્ણાટકમાં શ્રવણબેલગોડામાં ચામુંડરાય રાજાએ પહાડ ઉપર ૫૭ ફૂટની પ્રતિમા બિરાજમાન કરેલી. જે વિશ્વ પ્રસિદ્ધ છે. આ બાહુબલી ભગવાનનો દર બાર વર્ષે થતાં મહા મસ્તકાઅભિષેકમાં હંમેશા આપણાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.  ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં બીજા નંબરની બાહુબલી મુનીશ્વરની પ્રતિમાજી સોનગઢ ખાતે બિરાજમાન થશે. જેને કારણે ભાવનગર જિલ્લાનું નાનકડું સોનગઢ ગામ આખા સૌરાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ બની જશે. અને દેશ-વિદેશના યાત્રાળુઓને આવવાનું આકર્ષણ બનશે. આ ઉપરાંત અતિ સુંદર જંબુદ્વીપની પ્રતિકૃતિ આરસની રચના કરવામાં આવી છે તેમજ તેની મધ્યે સુદર્શન મેરુ પર્વતની પણ રચના કરવામાં આવી છે. જે જૈન દર્શનની ભૂગોળનો એક ભાગ છે આ જંબુદ્વીપમાં ૧૩૦ જિનેન્દ્ર ભગવંતો પણ બિરાજમાન થશે. આ ઉપરાંત આ સંકુલમાં ભવ્ય ડોમમાં ચાર ગતિ, મુનિદશાનું સ્વરૂપ અને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતી, સંસારીથી સિદ્ધ સુધીની યાત્રા દર્શાવતી અજોડ રચના થવા જઈ રહી છે જે કાર્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા પછી સંપન્ન કરવામાં આવશે. આ રચનાઓ સમગ્ર વિશ્વના જૈન તેમજ અન્ય આત્મ કલ્યાણક ઇચ્છતા જાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને પોતાનું આત્મકલ્યાણ કરવામાં પ્રેરણા લેશે. 

સોનગઢ છે પવિત્ર તપોભૂમિ

જૈન દર્શનના અનેક શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછી પૂજ્ય કાનજીસ્વામી લગભગ 88 વર્ષ પહેલા સોનગઢ જેવા નાના ગામમાં આવ્યા અને પોતાની સાધના ભૂમિ બનાવી અને લુપ્ત થઈ ગયેલા દિગંબર જૈન ધર્મના સત્ય સિદ્ધાંતોને પ્રગટ,  પ્રકાશિત અને પ્રસારિત કર્યા. જૈન દર્શનના અનેક મૂળભૂત અને પ્રયોજનભૂત  સિધ્ધાંતો સમજાવ્યા. 45 વર્ષ સુધી શ્રી કુંદ કુંદ આચાર્યદેવનાં “સમયસાર” શાસ્ત્ર તથા બીજા અનેક શસ્ત્રો ઉપર વિસ્તાર પૂર્વક છણાવટ કરી પ્રવચનો કર્યા. અહિંસા જૈન દર્શનનો જગ જાહેર પાયાનો સિદ્ધાંત છે. સામાન્ય રીતે બહાર દેખાતા જીવોની અને  કંદમુળ વિગેરેમા ન દેખાતા, અનંત જીવોને ઓળખીને તેના ત્યાગમાં અંહિસાનું પાલન ગણાય છે પરંતુ આગમ નાં શુક્ષ્મ સિદ્ધાંતો જેવા કે રાગ-દ્વેષનું ઉત્પન્ન થવું તે પણ નિજ આત્માની ખરા અર્થમાં ભાવ હિંસા છે.  આવા શુક્ષ્મ અનેક ન્યાયો અને સિદ્ધાંતો પૂજ્ય કાનજીસ્વામીએ સમજાવેલ છે.  અહીથી અનેક શાસ્ત્રોનાં પુસ્તકો પ્રકાશિત થયા. આ નાનકડા ગામમાં અધ્યાત્મ તત્વની મંગલ પ્રભાવનના કારણે હજારો લાખો જિજ્ઞાસુ જીવો અહી આવે છે અને પૂજ્ય કાનજીસ્વામીના રેકોર્ડેડ પ્રવચનો સાંભળી પોતાનું આત્મકલ્યાણ કરે છે. દેશ-વિદેશના લાખો અનુયાયીઓ આજે પોતાની આત્મસાધનામા આગળ વધી રહ્યા છે. 

ભાવનગરના સોનગઢ ખાતે યોજાશે ભવ્ય પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, 20 હજાર લોકો જોડાશે 2 - image

તેમના પરમ ભક્ત પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનને પણ પૂજ્ય કાનજીસ્વામીના ઉપદેશથી આત્મ સાક્ષાત્કાર (સમ્યકદર્શન) થયેલ. પૂજ્ય કાનજીસ્વામીએ તેમની હયાતીમાં ૬૬ જિનાલયોની દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા કરી.   સવંત ૧૯૮૦માં તેમના સ્વર્ગવાસ  બાદ એમની આમ્નાયમા અનેક જિનાલયોનું નિર્માણ થયું ભારત ભરમાં તથા અમેરિકા, આફ્રિકા, યુરોપ, અને એશિયા ખંડ જેવામાં પણ દિગંબર જિન મંદિરોના નિર્માણ થયા અને હજુ થઈ રહ્યા છે.

ભાવનગરના સોનગઢ ખાતે યોજાશે ભવ્ય પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, 20 હજાર લોકો જોડાશે 3 - image

પંચ કલ્યાણક પ્રસંગોની સંક્ષિપ્ત માહિતી

જૈન શાસ્ત્ર અનુસાર અબજો-અબજો વર્ષોના છ આરાના કાળ ચક્રમાં ફક્ત ૨૪ તીર્થંકરો આ ક્ષેત્રમા જન્મ લેશે જેમા સૌ પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા હતા અને અંતિમ ચોવીશમાં તીર્થંકર મહાવીર સ્વામી થયા હતા. જેના ઉપદેશના નિમિતથી અનેક જીવો આત્મ કલ્યાણ કરીને અનંત દુખમયી સંસાર પરીભ્રમણમાંથી અનંત સુખમયી મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે અને જે તીર્થંકર ભગવાનના  ઉપદેશથી યથાર્થ મોક્ષમાર્ગ, લાયક જીવોને સમજાય છે અને પોતાનું આત્મ કલ્યાણ કરે છે. આ તીર્થકર ભગવંતોના જીવંન તો નિજ આત્મ સાધનામય જ હોય છે પરંતુ તેમના નિમિત્તે અસંખ્ય જીવોનું મોક્ષમાર્ગને સમજીને કલ્યાણ થાય છે માટે આ તીર્થંકરો ભગવંતોના જીવનના  મહત્વના ૫ પ્રસંગો મનુષ્યો અને સ્વર્ગના દેવો દ્વારા ઉજવવામાં આવે છે. તે ૫ પ્રસંગો નીચે મુજબ છે અને આ પ્રસંગો અને જીવોના કલ્યાણમાં નિમિત રૂપ હોવાથી કલ્યાણક કહેવામાં આવે છે 

ગર્ભ કલ્યાણક સૌ પ્રથમ જગતના જીવોના મહાન પુણ્યોદયનાં કારણે ભગવાન નું જ્યારે માતાના ગર્ભમાં આગમન થાય તેને ગર્ભ કલ્યાણક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 

 જન્મ કલ્યાણક ત્યારે બાદ ૯ મહિના પછી જગતના ભવ્ય જીવોના કલ્યાણ માટે ભગવાનનો જન્મ થાય છે તેને જન્મ કલ્યાણક કારીકે ઉજવવામાં આવે છે. 

 દીક્ષા કલ્યાણક ભગવાનને સંસાર પ્રત્યે વૈરાગ્ય થતાં આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રાપ્ત કરવામાં માટે સંસારમાંથી વિરક્ત થઈને દીક્ષા લેછે  તેને દીક્ષા કલ્યાણક કહેવામાં આવે છે. 

 કેવળજ્ઞાન કલ્યાણક ભગવાન આત્મ સાધનાના સર્વોકૃષ્ટ ધ્યાન દ્વારા ધાતીકર્મોને બાળીને  સર્વોકૃષ્ટ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એને કેવળજ્ઞાન કલ્યાણક કહેવામાં આવે છે. 

 મોક્ષ કલ્યાણક ભાગવાનનું  આયુષ્ય પૂરું થતાં દેહ નિર્વાણ થાય છે. અને ભગવાન અશરીરી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે તેને મોક્ષ કલ્યાણક કહેવામાં આવે છે. 

ગર્ભ કલ્યાણક 

ભગવાન પોતાના અંતિમ મનુષ્ય ભવમાં આ પૃથ્વી ઉપર માતાના ગર્ભમાં પધારે છે અને ધર્મનું સત્ય સ્વરૂપ, ધર્મની પરંપરા અને મોક્ષમાર્ગ પ્રરૂપિત કરવાના કારણે અનેક જીવોના કલ્યાણક થાય છે અને સત્ય ધર્મની પરંપરા આગળ ચાલે છે તેથી ભગવાનનો મનુષ્ય ક્ષેત્રમાં આગમનનો ઉત્સવ મનાવવા મનુષ્યો અને સ્વર્ગમાંથી દેવો આવે છે. ભાગવાનો એટલો પુણ્યોદય હોય છે. ભગવાનના માતાના ગર્ભમાં આગમનના છ મહિના પહેલાથી દેવો એ ક્ષેત્રમાં રત્નોની વર્ષા કરે છે. સારાય  ક્ષેત્રમાં રહેલા જીવોના સંસારીક દુખો ઓછા થઈ જાય છે. ભગવાનના મહા કલ્યાણકારી આગમનના કારણે જગતના જીવોના ઉદ્ધારના પૂર્વે આગમનના પૂર્વ સંકેત રૂપે ભગવાનની માતાને 16 મંગળ સ્વપ્ન આવે છે જે સંકેત આપે છે કે ત્રણ લોકના નાથ અનેક જીવોના કલ્યાણ માટે પધારી રહ્યા છે. 

જન્મ કલ્યાણક 

જ્યારે ભગવાનનો જન્મ થાય છે ત્યારે સારાય વિશ્વમાં બધાજ જીવો ક્ષણ ભર શાંતિનો અનુભવ કરે છે સ્વર્ગમાં ઇન્દ્રનું આસન હલે છે અને સ્વર્ગના ઇન્દ્રો આનંદથી ભાવ વિભોર થઈ જાય છે. સ્વર્ગમાંથી સૌધર્મ ઇન્દ્ર અને સચી ઇન્દ્રાણી આવીને અત્યંત ભક્તિ અને આનંદ ઉલ્લાસ પૂર્વક નાનકડા ભગવાનને ઐરાવત હાથી ઉપર મેરુ પર્વત પર લઈ જાય છે જયા ક્ષીરસાગરના જળના  ૧૦૦૮  કળશથી ભગવાનનો મહા અભિષેક કરે છે. સૌધર્મ ઇન્દ્ર આનંદથી અત્યંત રોમાંચિત થઈને તાંડવ નૃત્ય કરે છે.  અને અદભૂત ઉત્સવ કરે છે. જગગતના સર્વોકૃષ્ટ પૂણ્યના ધણી તેવા ભગવાનના અદભૂત રૂપ લાવણ્યને ઇન્દ્રો હજાર હજાર આંખ કરીને નીરખે છે તો પણ સંતોષ થતો નથી આખું જગત આનંદથી રોમાંચિત થાય છે અનેક ઉત્સાહના પ્રસંગો બને છે. ભગવાનના વસ્ત્રો પણ સ્વર્ગમાંથી દેવો દ્વારા લાવવમાં આવે છે  અને શિશિર અવસ્થા પસાર થાય છે 

દીક્ષા કલ્યાણક 

ભગવાનની  અંતિમ મનુષ્ય જીવનની યાત્રામાં સંસારની અનિત્યતા, અશરણપણું વગેરે જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ભગવાન સંસાર દશાનો ત્યાગ કરીને અંતિમ સાધના કરવા દીક્ષા ધારણ કરવાનો ભાવ કરે છે. આ વૈરાગ્યમય પ્રસંગથી અનેક મનુષ્યને વૈરાગ્ય ઉત્પન થાય છે અને ભગવાનની જેમ મુનિદશા પ્રાપ્ત કરવાનો ભાવ થાય છે ત્યારે વન પ્રસ્થાન માટે ભાગવાનની પાલખી લેવા માટે દેવો અને મનુષ્ય વચ્ચે અદભૂત સંવાદો થાય છે અંતે મનુષ્યો ભગવાનની પાલખી ઉઠાવીને વન સુધી લાવે છે. ભગવાન બધાજ આભૂષણો-વસ્ત્રોનો ત્યાગ કરીને પૂર્ણ દિગંબર દશાને ધારણ કરે છે અને વનમાં આત્મ ધ્યાનમાં લીન થાય છે. પુર્વની અનેક સગવડતા અને અતિવૈભવનો ત્યાગ કરી કઠોર સાધના કરે છે.  વનમાં ખુલ્લા પગે કંટકો પથ્થરો  ઉપર ખુલ્લા પગે ચાલવુ, ઊભા ઊભા દિવસમાં એકજ વખત ભોજન લેવું તેમજ એક પણ વસ્ત્ર વગર ઠંડી ગરમીમાં કઠોર સાધના કરવી ફક્ત પોતાની આત્મલીનતામાં જ સ્થિર રહે છે. 

કેવળજ્ઞાન કલ્યાણક  

ભાગવાનની અંર્તમુખ આત્મ સ્થિરતાનું સર્વોતકૃષ્ટ ધ્યાન કરી ઘાતી કર્મોનો નાશ કરે છે અને  સંપૂર્ણ વિભાવ રહિત સર્વો કૃષ્ટ કેવળ જ્ઞાન દશાને પ્રગટ કરે છે એકજ સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકને દેખે છે જાણે છે. અને આત્માની અત્યંત શુદ્ધ દશાને પ્રગટ કરે છે. અને દેવો સ્વર્ગમાંથી આવીને કેવળજ્ઞાન કલ્યાણક ઉજવે છે. આ કલ્યાણકના નિમિતે જગતના જીવોનું યથાર્થ હિત થાય છે. સ્વર્ગમાંથી કુબેર આવીને ભગવાનના સમવસરણની અદભૂત અને અલૌકિક રચના કરે છે જેમાં સ્વર્ગના દેવો, મનુષ્યો, તિર્યંચ-પ્રાણીયો, મુનિવરો, બધાજ ભગવાનના સમવસરણમાં બેસીને ભાગવાનની ઓમ ધ્વનિ સાંભળે છે. હિંસક પ્રાણીયો પોતાના હિંસક સ્વભાવ ભૂલીને ભગવાનની ઓમ ધ્વનિ સાંભળે છે. ભગવાનના ગણધર ભગવાનની ઓમ ધ્વનિનું 18 મહા ભાષા અને 700 લઘુભાષામાં રૂપાંતર કરે છે જેથી દરેક જીવો સરળતાથી પોત પોતની ભાષામાં ભગવાનનો પ્રરૂપિત  આત્મકલ્યાણનો માર્ગ સમજી શકે છે આ જગતના જીવોના કલ્યાણ માટેનો ઉતકૃષ્ટ સમય છે. અનેક જીવો સમ્યકદર્શન પ્રાપ્ત કરે છે. અનેક જીવો મુનિદશા ધારણ કરે છે. ધર્મના માર્ગની ખુબજ પ્રભાવના થાય છે સત્ય ધર્મની પરંપરા ચાલે છે અને અનેક જીવો આ પરંપરામાં પોતાનું આત્મ કલ્યાણ કરે છે. 

મોક્ષ કલ્યાણક 

પ્રભુ પણ મનુષ્ય છે મનુષ્ય દશાના જેનો જન્મ થયો એનો આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય દશાનો અંત થવાનો નિશ્ચિત જ હોય છે પરંતુ ભગવાનનો આ છેલ્લો જન્મ છે અને ભગવાન મોક્ષે પધારે છે માટે તેને મરણ નહીં પરંતુ તેને નિર્વાણ કહે છે. ભાગવાન શરીરનો ત્યાગ કરીને અશરીરી શુદ્ધદશા પ્રાપ્ત કરીને સમશ્રેણીએ ઉપર સિદ્ધ લોકમાં બિરાજમાન થાય છે અને અનંતકાળ સુધી પોતાના અનંત સુખનો ભોગવટો કરે છે ત્યારે ભગવાનના  વિરહનું દુખ પણ હોય છે પરંતુ ભગવાનની પૂર્ણ શુદ્ધ અશરીરી દશા પ્રાપ્તિનો ઉત્સવ મનાવે છે. સંસારી થી સિદ્ધ સુધીની, અશુદ્ધતા થી શુદ્ધતા સુધીની અને અપૂર્ણતા થી પૂર્ણતા સુધીની ભાગવાનની  યાત્રા પુરી થાય છે. જે દરેક જીવોને માટે આદર્શરૂપ, માર્ગદર્શન રૂપ અને સત્ય પ્રકાશક હોવાથી યોગ્ય જીવો એ પ્રમાણે આત્મ સાધના કરી પોતાનું નિજ કલ્યાણ કરે છે. આવા ભગવાનના પાંચે કલ્યાણકના પ્રસંગો  પૂરા કર્યા પછી ભાગવાનની વિધિ પૂર્વક પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભાગવાન તરીકે સ્થાપના  કરીને બિરાજમાન કરવામાં આવે છે. 


Google NewsGoogle News