લોકશાહીનું મહાપર્વ : ઉમેદવારો માટે કતલની રાત, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન
- થાનમાં 11 સંવેદનશીલ બુથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- થાન નગરપાલિકાની 28, લીંબડી અને ધ્રાંગધ્રાની એક-એક બેઠકની પેટા ચૂંટણી તેમજ લીંબડી અને સાયલા તા.પં.ની એક-એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે
સુરેન્દ્રનગર : થાન નગરપાલિકાની ૨૮ બેઠક, લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક બેઠકની પેટા ચૂંટણી તેમજ લીંબડી અને સાયલા તા.પં.ની એક-એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ગઇકાલે સાંજ પ્રચારના ભુંગળા શાંત થતાની સાથે જ હવે મતદારોના મનામણા કરવા રાજકીય પક્ષોના નેતા અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરુ થઇ ગયો છે. જીતવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવશે. ઉમેદવારો માટે આજે કતલની રાત છે. રવિવારે સવારે ૭ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે જ્યારે મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષ સહિત ૧૦૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે તેમજ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. થાન નગરપાલિકાની ચૂંટણીમાં ૩૩ મથકો પર મતદાન યોજાશે જે પૈકી ૧૧ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. ચૂંટણી દરમ્યાન કુલ ૨૪૦થી વધુ ૫ોલીંગ સ્ટાફ પણ અલગ-અલગ મતદાન મથકો પર ફરજ બજાવશે. મતદાન મથકો પર ઈલેકટ્રોનીક સાધનો લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે.
અધિકારી-પોલીસકર્મી સહિત ૩૬૦થી વધુ જવાન તૈનાત
મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ૩-ડીવાયએસપી, ૭-પીઆઈ, ૧૯-પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત ૩૬૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત ક્યુઆરટી તેમજ મોબાઈલ પેટ્રોલીંગની ટીમ પણ ફરજમાં હાજર રહેશે.