GPSC રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર, GPSC ચેરમને આપી માહિતી
GPSC State Tax Inspector Exam: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલી રાજ્ય વેરા નિરીક્ષક (STI) વર્ગ-3ની પ્રિલિમ પરિક્ષાના પરિણામને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રિલિમ પરિક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ આવી શકે છે. આ સાથે જે તેમણે મુખ્ય પરિક્ષાની તારીખને લઈને ઉમેદવારો પાસે પ્રતિભાવ માંગ્યો છે.
પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવાઈ
હકીકતમાં 22 ડિસેમ્બરના રોજ રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરિક્ષા યોજાઈ હતી. જેમાં ગુજરાતના 33 જિલ્લાનાં અલગ-અલગ 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. જેને લઈને તાજેતરમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારો અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. જેને લઈને હવે GPSCનાં ચેરમેન હસમુખ પટેલે 15 ફેબ્રુઆરીની આસપાસ પરિણામ આવવાની જાહેરાત કરી છે.
GPSC વર્ગ 1-2ની પ્રિલિમ પરિક્ષા અપ્રિલમાં લેવાશે
આ સિવાય GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરિક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી હતી. જેમાં હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર GPSC વર્ગ 1-2ની ભરતી અને પરિક્ષાને લઈને જણાવ્યું હતું કે, 'જીપીએસસી વર્ગ-1, 2 ની પ્રિલિમ 6 એપ્રિલ તથા મેઈન પરિક્ષા 13, 14 તથા 20, 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાખવાનું આયોજન છે, જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરિક્ષા પણ આપી શકે.'