Get The App

GPSCના ત્રણ મોટા નિર્ણયઃ ઇન્ટરવ્યૂમાં નાસ્તો-ભોજન, અભ્યાસના છેલ્લા વર્ષે પણ અરજી કરી શકાશે

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
GPSCના ત્રણ મોટા નિર્ણયઃ ઇન્ટરવ્યૂમાં નાસ્તો-ભોજન, અભ્યાસના છેલ્લા વર્ષે પણ અરજી કરી શકાશે 1 - image


GPSC Latest Announcement: GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેમાં ન ફક્ત ઉમેદવારો પરંતુ પરીક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ કરવામાં આવી છે.

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મહિલા ઉમેદવારો માટે મોટી જાહેરાત કરી છે. આયોગના પ્રમુખે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, 'છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં ઉમેદવારો અરજી કરી શકશે, તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગ દ્વારા લેવાયો છે.'

પરીક્ષકોને મળશે બમણું મહેનતાણું

આ સિવાય પરીક્ષક માટે પણ ખુશીના સમાચાર છે. હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતાં લખ્યું કે, 'નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ કરવાની ઇચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.'

ઇન્ટરવ્યૂ આપવા આવતાં ઉમેદવારો માટે ખાસ સુવિધા

નોંધનીય છે કે, ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ GPSC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતાં હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, 'આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે.'




Google NewsGoogle News