ખેડામાં 13 કેન્દ્રોના 127 બ્લોક પર આજે જીપીએસસીની પરીક્ષા
- જિલ્લામાં 3,038 ઉમેદવારો પરીક્ષા આપશે
- વહીવટી સેવા વર્ગ-૧, મુલ્કી સેવા અને પાલિકા મુખ્ય અધિકારી વર્ગ-બેની કસોટી યોજાશે
જીપીએસસી દ્વારા ગુજરાત રાજ્ય વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૨ તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ની પ્રાથમિક પરીક્ષા રવિવારે યોજાવાની છે. ત્યારે જીપીએસસીના ચેરમેને વિડિયો કોન્ફરન્સ દ્વારા ખેડા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં તેમણે પરીક્ષા સામગ્રીની સુરક્ષા, સ્ટ્રોંગરૂમની જાળવણી, પરીક્ષા સ્થળનું સંચાલન, જાહેરનામા પ્રસિદ્ધિ, ઉમેદવારોના પ્રવેશ સમયે ચકાસણી, પ્રવેશ માટે જરૂરી ઓળખકાર્ડ, મહિલા ઉમેદવારોની ચકાસણી માટે અલગ એન્કલોઝર, દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા, ઉમેદવારોની હેલ્થ બગડે તો એ બાબતે પ્રાથમિક સારવાર, ઓએમઆર શીટનું વિતરણ, સુપરવિઝન વ્યવસ્થા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર નિયંત્રણ, અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ સહિતના અગત્યના મુદ્દાઓ પર પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન કરવા માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર, ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જીપીએસસી પરીક્ષામાં નિયુક્ત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.