GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ
GPSC Exam: GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. GPSCની ભરતી પરીક્ષાની (GPSC Exam) તારીખમાં ફેરફાર કરાયો છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 19મી એપ્રિલની જગ્યાએ 25મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. 20 એપ્રિલે પરીક્ષા આપતા ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે 19 એપ્રિલની પરીક્ષાની તારીખ બદલવી પડી હોવાનું GPSCના ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.
આ પરીક્ષાઓની તારીખ બદલાઈ
જાહેરાત ક્રમાંક 81/2024-25(મદદનીશ ઇજનેર, સિવિલ, વર્ગ-2), 111/2024-25 (મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2, દિવ્યાંગો માટે) અને 112/2024-25 (નાયબ કાર્યપાલક ઇજનેર, વિદ્યુત, વર્ગ-2)ની સંબંધિત વિષયની 19/04/25ના બદલે 25/04/25ના રોજ યોજવામાં આવશે.
કેમ બદલવી પડી પરીક્ષાની તારીખ
જાહેરાત 81/2024-25, 111/2024-25, 112/2024-25ના ઉમેદવારો જો તા 20/4/25 ની વર્ગ-1,2ની પરીક્ષા આપતા હોય તો પરીક્ષા સ્થળે પહોંચી શકે તેને ધ્યાનમાં લઇ ઉપરોક્ત ભરતીઓની સંબંધિત વિષયની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. તે પછીના રવિવારોએ અન્ય પરીક્ષાઓ હોઇ આ પરીક્ષા ચાલુ દિવસે રાખવી પડી છે.
દરેક ઉમેદવાર પરીક્ષા આપે તેવો પ્રયાસ
હસમુખ પટેલે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 'આયોગ ઘણી બધી પરીક્ષાઓ લેતું હોય પરીક્ષા ની તારીખ બદલવી ખૂબ જ મુશ્કેલ પડે છે. છતાં પણ જ્યાં શક્ય હોય ત્યાં તારીખ બદલી ઉમેદવારોને દરેક પરીક્ષા આપવાની તક મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. આને કારણે જ તા 27/4/24 ની પરીક્ષાની તારીખ બદલી શકાઇ નથી.'
નોકરી કરતા ઉમેદવારોને મુશ્કેલી પડે છે
તેમણે વધુમાં કહ્યું હતું કે 'તારીખ બદલવામાં આવે ત્યારે અન્ય રવિવારે બીજી પરીક્ષાઓ હોય એટલે રજાના દિવસે નવી તારીખ આપી શકાતી ન હોય રજા સિવાયના દિવસે પરીક્ષા ગોઠવવી પડે છે. જેના કારણે નોકરી કરતા ઉમેદવારને મુશ્કેલી પડે છે. તારીખ બદલવામાં આ પણ એક મોટી અડચણ છે.'