GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે આનંદના સમાચાર, 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત
GPSC Recruitment : ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરીક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.
ટૂંક સમયમાં વર્ગ 1-2 ભરતીની જાહેરાત થશે
હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર GPSC વર્ગ 1-2ની ભરતી અને પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, 'વર્ગ 1-2 ભરતીની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે.'
યુપીએસસીને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવશે
યુપીએસસીની પરીક્ષા આપતાં ઉમેદવારોને સરળતા રહે તેને લઈને હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 'વર્ગ 1-2ની પરીક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. વર્ગ 1-2ની પ્રાથમિક પરીક્ષા યુપીએસસીની પ્રાથમિક પહેલા અને મુખ્ય પરીક્ષા યુપીએસસીની મુખ્ય પરીક્ષા પછી લેવાનું આયોજન છે. જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ યુપીએસસી આપવાને લાયક જ છે તે ન ભૂલે અને બંને પરીક્ષાઓ આપે.
ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા આપવા સક્ષમ
વધુમાં હસમુખ પટેલે કહ્યું હતું કે, 'ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવા સક્ષમ છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા નથી કારણ કે તેઓ એ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે. પોતાની સક્ષમતા ઉપર ભરોસો રાખી આ પરીક્ષા પુષ્કળ મહેનત કરીને આપે તેવી મારી સૌને વિનંતી.'