નવા બસપોર્ટમાં લોકેશન જાણવા માટેની GPS સીસ્ટમ રાત્રિના બંધ
રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી ટ્રાફિક કન્ટ્રોલર કે મુસાફરો બસનું લોકેશન જાણી શકતા નથી : ટીવી સ્ક્રીન ઉપર રાત્રિ દરમિયાન દેખાતા માત્ર ધાબા: પ્લેટફોર્મ નં. 22 ઉપરથી તો સ્ક્રીન પણ ઉપડી ગઇ : બેદરકાર તંત્રને સબક શિખડાવવા આકરા પગલાં લ્યો
રાજકોટ, : મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા જીપીએસ સિસ્ટમ ચાલુ કરી છે જેથી દરેક એસટી ડેપોમાં કોઇપણ મુસાફર વહેલી થશે કે મોડી ? તેના પરિવારજનો બહારથી આવી રહ્યા હોય તો ક્યારે પહોંચશે તેની જાણકારી મેળવી શકે છે પરંતુ રાજકોટનાં એસટી ડેપોમાં રાત્રે ૯ થી સવારનાં પાંચ વાગ્યા સુધી જીપીએસ સિસ્ટમ છેલ્લા ત્રણ મહિનાથી બધ પડી છે. કોઇ જાણકારી મુસાફરોને મળતી નથી. આ સ્થિતિમાં આજે બંધ જીપીએસ સિસ્ટમ પુન: કાર્યરત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રહ્યું છે. અહીં દિવસ દરમિયાન એસટી બસ પોર્ટમાં દરરોજ બે હજારથી વધુ એસટી બસોનું આવન-જાવન થાય છે. તેથી રાત્રિ દરમિયાન જીપીએસ સિસ્ટમ ચાલુ હોય તો જ મુસાફરોને કઇ બસ ક્યોર આવશે ? તેની જાણકારી મળી રહે. અલબત્ત અહીં લાંબા સમયથી રાત્રિ દરમિયાન જીપીએસ સીસ્ટમ બંધ હોવા છતાં આ મુશ્કેલી એસટી તંત્રના સ્થાનિક અધિકારીઓના ધ્યાનમાં આવ્યું નથી. ટીવીની સ્ક્રીન ઉપર કાળા ધાબા દેખાય છે. પ્લેટફોર્મ નં. 22 ઉપર તે સ્ક્રીન પણ નથી. સીસ્ટમ બંધ હોવાને લીધે ટ્રાફિક કન્ટ્રોલરને બસનું લોકેશન જાણવા મળતું નથી.