પાટણમાં સરકારી અનાજની કાળાબજારી! 36000 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
Gujarat News: ગુજરાતના પાટણમાં સરકારી અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે. પાટણના સમીના વરાણા નજીકથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત અંદાજિત 11 લાખ જણાવવામાં આવી છે. SOG દ્વારા દરોડા પાડી સરકારી અનાજની કાળાબજારી કરનારને ઝડપી પાડવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર વિગત?
પાટણમાં શુક્રવારે (14 ફેબ્રુઆરી) SOG દ્વારા અલગ-અલગ ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. SOGની એક ટીમને સરકારી અનાજના કાળાબજારી કરનારની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ તાત્કાલિક ધોરણે સમીના વરાણા નજીક એક હોટલ ખાતે પહોંચી હતી. જ્યાં ટ્રકમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી લેવાયો હતો. આ ટ્રકમાં 36,200 કિલોના સરકારી ચોખાનો જથ્થો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
ટ્રક અને સામાનને જપ્ત કર્યા બાદ SOGની ટીમ દ્વારા તાત્કાલિક મામલતદાર સહિત અધિકારીઓને આ વિશે માહિતી આપી અને તપાસ સ્થળે બોલાવવામાં આવ્યા. આ તપાસ અધિકારીઓ દ્વારા પંચનામા સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ બિલ પણ શંકાસ્પદ જણાયા હતા.
નોંધનીય છે કે, સરકારી અનાજની કાળાબજારી કરનાર અને ગરીબોનો હક્ક છીનવનાર શખ્સ વિશે પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ મોટા નામનો ખુલાસો નથી થયો. એવામાં પોલીસે સરકારી અનાજની કાળાબજારી કરનાર મુખ્ય સૂત્રધારને શોધવાની તપાસ હાથ ધરી છે.