સરકારી મા. અને ઉ.મા. શાળાની 284 ખાલી જગ્યા પર જિલ્લા આંતરિક ફેરબદલી થશે
- 1-1-25 ની સ્થિતિએ વિષયવાર યાદી જાહેર કરાશે
- નિયામક શાળાઓની કચેરી દ્વારા ઓફલાનથી 24 જાન્યુઆરી સુધીમાં કેમ્પ યોજવા સૂચના
મળતી વિગતો મુજબ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો-મદદનીશ શિક્ષકોની બદલી માટે જિલ્લા આંતરિક ફેરબદલીની કાર્યવાહી તથા હુકમો સંબંધિત કાર્યવાહી ઓફલાઇન માધ્યમથી તા.૨૪ જાન્યુ. સુધીમાં કરવા પરિપત્ર જાહેર કરાયો છે. આ સાથે આંતરિક બદલી કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી, આરએમએસએ અને મોડેલ સ્કૂલની તા.૧-૧-૨૫ની સ્થિતિએ ખાલી જગ્યાઓની વિષયવાર યાદી તૈયાર કરી જગ્યાઓની વિગત દર્શાવતા પત્રકની એક કોપી દરેક સરકારી શાળાને કેમ્પ પહેલા મોકલી આપી દરેક કચેરીના નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની સુચના અપાઇ છે. આ ઉપરાંત કેમ્પમાં ભાગ લેનાર દરેક શિક્ષકનું હાજરીપત્રક નિભાવવાનું રહેશે. મહિલા-દિવ્યાંગ ઉમેદવાર શિક્ષકે અરજીની તારીખે ઓછામાં ઓછી એક વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જરૂરી છે તો પતિ-પત્ની રાજ્ય સેવા કે પંચાયત અથવા જાહેર સાહસો, બોર્ડ નિગમો અનુદાનિત સંસ્થામાં કરતા હોય તેઓ માટે પણ એક વર્ષની સેવા ગણાશે. જ્યારે અન્ય શિક્ષકોના કિસ્સામાં બે વર્ષની સેવા ગણાશે. એક જિલ્લામાં આંતરિક ફેરબદલીનો લાભ વધુમાં વધુ બે વખત જ મળવાપાત્ર છે. જ્યારે ભાવનગર જિલ્લાની ૯૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને આ બદલી કેમ્પનો લાભ મળશે. એક તબક્કે માધ્યમિક શાળાઓમાં ૧૮૫ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૯૯ જગ્યા ખાલી હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે જેના પર આગામી દિવસોમાં જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ યોજાશે.