ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી 'SIT' નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા
Deesa Fire Tragedy: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. આ અગાઉ રાજકોટ, સુરતમાં આગ દુર્ઘટનામાં પણ નિર્દોષો મોતને ભેટ્યા હતાં. તેમ છતાંય સરકારે કોઈ ધડો લીધો નથી. ચોક્કસ પગલાં ન લેવાતાં સરકારી તંત્રની નિષ્ક્રિયતાને પગલે ફેક્ટરી-કારખાનાઓમાં આગ દુર્ઘટનાની ઘટનાઓ બની રહી છે. લોકોમાં ભભૂકેલા રોષને ઠારવા રાજ્ય સરકારે ફરી આગ દુર્ઘટનાની તપાસના બહાને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નુ નાટક રચ્યુ છે.
સરકારી અધિકારીને બચાવવા સરકારની મથામણ!
ગુજરાતમાં ફેક્ટરી-કારખાનાઓમાં ફાયર સેફટીને લઈને કોઇ જોનાર નથી. ક્યાંક નિર્ધારિત મર્યાદા કરતાં ઝેરી કેમિકલ રાખવામાં આવી રહ્યુ છે, તો ક્યાંક ગેરકાયદે રીતે ફટાકડાં બનાવવામાં આવી રહ્યાં છે. ગરીબ શ્રમિકો માટે કારખાના-ફેક્ટરીમાં કોઇ વ્યવસ્થા જ નથી. ત્યારે જો આગ દુર્ઘટના બને તો સરકાર ચાર લાખની સહાય કરીને સહાનુભૂતિના આંસુ સારીને હાથ ખંખેરી લે છે.
ડીસા અગ્નિકાંડ પણ સરકારે ગરીબ શ્રમિકોને 4 લાખ રૂપિયાની સહાય કરીને સંતોષ માણી લીધો છે. આ ગેરકાયેદ રીતે ફટાકડાંની ફેક્ટરી ધમધમી રહી છે તે માટે કયા અધિકારી કસૂરવાર છે તે અંગે સરકાર એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. હવે સીટનું નાટક કરીને દોષનો ટોપલો ફેક્ટરી માલિકના માથે નાંખવા મથામણ કરવામાં આવી રહી છે.
એવો સવાલ ઊઠ્યો છે કે, અત્યાર સુધી આગ દુર્ઘટનામાં સીટના રિપોર્ટ જાહેર થયાં છે, ત્યારે કયા અધિકારીને કસૂરવાર ઠેરવવામાં આવ્યાં છે? તક્ષશિલા-સુરત અને રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો આજેય ન્યાય માટે વલખાં મારી રહ્યાં છે.ત્યારે સીટના નામે ડીસા અગ્નિકાંડ પર ઠંડુ પાણી રેડવામાં આવી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. આ ઉપરાંત સ્થાનિકો એવો સવાલ ઊઠાવી રહ્યાં છે કે, 21 ગરીબ શ્રમિકોનો જીવ લેનારાં ફેકટરી માલિકાનો ઘર પર દાદાનું બૂલડોઝર ક્યારે ફરશે.