પોલીસ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય: ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર, આ જિલ્લાઓમાં બદલી નહીં થાય
Police Transfer Rules Change : રાજ્ય પોલીસ વડાએ ગુરૂવારે રાજ્યના 233 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ગૃહ વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેથી હવે પહેલાં જેવી લાગવગ અને લાલિયાવાડી ચાલશે નહી.
ગૃહ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથે યોજાયેલી મીટીંગમાં પોલીસની બદલીને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઈ/ પી.આઈને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ.
રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ
જે બિન હથિયારી પી.એસ.આઇ/ પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં અમુક કિસ્સાઓમાં જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો તેવા કેસમાં મેરીટના આધારે વિચારણા કરવામાં આવશે.