Get The App

તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો માટે મોટો નિર્ણય, ખેડૂત મટી ગયેલા લોકોને અપાશે પ્રમાણપત્ર

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો માટે મોટો નિર્ણય, ખેડૂત મટી ગયેલા લોકોને અપાશે પ્રમાણપત્ર 1 - image


Gandhinagar : ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા રાજ્ય સરકારે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. 

આ પણ વાંચો : પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી પહોંચાડનાર વ્યક્તિ ઝડપાયો, દ્વારકામાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી

પ્રમાણપત્ર મેળવવા સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે

રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર, વર્ષ 1960થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે. આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીનની ખરીદી કરી લેવાની રહેશે.

આ નિર્ણયના પરિણામે ખેતીને પ્રોત્સાહન મળશે

રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તે હવે આ પ્રમાણપત્ર મેળવી શકશે. ત્યારે આ નિર્ણયના પરિણામે ખેતીને  પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત જે ખેડૂત પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. 

આ પણ વાંચો : વડોદરામાં કોર્પોરેટરોની સોસાયટીમાં જ પાણીનો પ્રશ્ન હલ કરી શકતા નથી તો બીજાનો નિવેડો ક્યાંથી લાવે..!!

પ્રમાણપત્ર મળ્યાના બે વર્ષમાં જમીન ખરીદવાની રહેશે

આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. આવી રજૂઆતોના સંદર્ભમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.



Google NewsGoogle News