સરકારી કચેરીઓ હવે સવારે 9:30 વાગ્યે ખોલવી પડશે, ગુલ્લીબાજોના પગાર કપાશે, સિટિઝન ચાર્ટરના અમલની ભલામણ
Gujarat Administrative Reforms Commission : ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ કમિશન (ગુજરાત વહીવટી સુધારા પંચ-GARC) દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની ઓફિસોનો ઓફિસ સમય સવારે 9:30 થી સાંજે 5:10 વાગ્યા સુધીનો કરવાની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત સિટિઝન ચાર્ટરનો અમલ કરવાની પણ ભલામણ કરાઈ છે.
સરકારી કર્મચારીઓએ સોશિયલ મિડીયાના માઘ્યમથી લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવી પડશે
સિટિઝન ચાર્ટર હેઠળ કોઈ પણ સેવા કેટલા સમયમાં આપવાની એ નક્કી કરાશે અને એ સેવા આપવાની જવાબદારી ક્યા સરકારી કર્મચારીની રહેશે એ પણ નક્કી કરાશે. નક્કી કરેલા સમયમાં સેવા નહીં આપનાર સરકારી કર્મચારી જ્યાં સુધી પોતાની કામગીરી સંતોષકારક રીતે પૂરી ના કરે ત્યાં સુધી તેનો પગાર કપાતો રહેશે એવી જોગવાઈ છે. તેના કારણે સરકારની કામગીરીમાં સુધારો થશે પણ કર્મચારીઓએ ફરજિયાત કામ કરવું પડશે તેથી અત્યારથી જ કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.
દેશનાં ઘણાં રાજ્યોમાં સિટિઝન ચાર્ટરનો અમલ કડક રીતે થાય છે. સિટિઝન ચાર્ટરનો ઉદ્દેશ કર્મચારીઓની એકાઉન્ટિબિલિટી નક્કી કરવાનો અને નાનાં નાનાં સરકારી કામોમાં થતો વિલંબ ટાળવાનો છે. જવાબદાર કર્મચારીનો પગાર કાપવાથી તેનામાં પોતાની ફરજ સમયસર બજાવવાની ભાવના પેદા થશે એ ઉદ્દેશથી દેશનાં સંખ્યાબંધ રાજ્યોમાં સિટિઝન ચાર્ટરનો અમલ કરાયો છે.
સિટિઝન ચાર્ટરને અસરકારક બનાવવા માટે નાગરિકોને સીધી સેવા આપતા તમામ વિભાગોની વિગતો સિટિઝન નાગરિક ચાર્ટર પર મૂકાશે. આ સિસ્ટમમાં સેવાઓ અને તે સેવાઓ પૂરી પાડવા માટેની સમયમર્યાદા, ફરિયાદ નિવારણ અને કોની જવાબદારી એ પણ લખાયેલું હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપેલા રીપોર્ટમાં હસમુખ અઢિયાના નેતૃત્વ હેઠળના ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ કમિશને બીજી પણ મહત્વની ભલામણ કરી છે. આ ભલામણો દ્વારા સરકારી કર્મચારીઓને વધારે કામ કરતા કરવાનો ઉદ્દેશ છે. ગુજરાત સરકાર આ તમામ ભલામણો સ્વીકારીને તેનો ઝડપથી અમલ કરવાના મૂડમાં છે એ જોતાં સરકારી કર્મચારીઓએ હવે ફરજિયાત કામ કરવું પડે એવા દિવસો આવશે. સરકારી કર્મચારીઓએ વહેલા ઓફિસે આવવાની ટેવ પણ પાડવી પડશે.
પંચે કરેલી બીજી મહત્વની ભલામણોમાં સરકારની કામગીરી તેમજ સ્થાનિક સ્તરે વિવિધ કાર્યક્રમોની પોસ્ટ્સ નિયમિત રીતે સરકારના સાાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. લોકો સુધી સરકારની કામગીરીની તમામ વિગતો પહોંચે એ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા તમામ વિભાગોને સૂચના અપાશે.
ક્યુ-આર કોડ સ્કેન કરીને સરકારી દસ્તાવેજ સાચો છે કે નહીં એ ચકાસી શકાશે
પંચે એક મહત્વની ભલામણ તમામ સરકારી પ્રમાણપત્રોની ચકાસણી માટે એક સિસ્ટમ સ્થાપિત કરવાની કરી છે. સરકાર દ્વારા અપાતાં તમામ સાાવાર પ્રમાણપત્રો, લાઇસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજો સાચા છે કે નહીં એ ચકાસવા માટે એક ટેક-સક્ષમ ઊઇ-આધારિત પદ્ધતિ વિકસાવશે. આ દસ્તાવેજો રજૂ કરાય ત્યારે માત્ર ક્યુ-આર કોડ સ્કેન કરીને કોઈ પણ દસ્તાવેજ સાચો છે કે નહીં તેની ચકાસણી કરી શકાશે તેથી બોગસ દસ્તાવેજો ને સર્ટિફિકેટના આધારે નોકરી કે બીજા લાભો મેળવવાના ભ્રષ્ટાચારને ડામી શકાશે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘સરકાર તમારા દ્વારે અભિગમ સાથેની આ સિસ્ટમથી સરકારી વિભાગો અને લોકોને પણ રાહત થશે.