ખેડૂતોની આત્માહત્યાના આંકડા જાહેર ન કરવા પડે એટલે સરકારનું શાણપણ? CID ક્રાઇમને સોંપ્યો માહિતીનો હવાલો
RTI Act : રાજ્યમાં દેવામાં ડૂબેલા ખેડૂતોની આત્મહત્યાના આંકડા જાહેર ના કરવા પડે એટલે ગુજરાત પોલીસ દ્વારા હવે એક RTI અરજીને સ્ટેટ કંટ્રોલ રૂમ ધ્વારા CID ક્રાઇમને અરજી તબદીલ કરવામાં આવી દેવામાં આવી છે.
જેમાં માહિતી ના આપવાના કારણને CID ક્રાઇમે પત્રમાં કહ્યું છે કે, અમને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી રાજ્યમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી તેની માહિતી સામે જ ન આવે. સરકાર દરેક નીતિ નિયમ, ઠરાવ કે પરિપત્રમાં એક પાછલું બારણું રાખવાની કોશિષ કરતી હોય છે જેથી જરૂર પડે એના નેજા હેઠળ સત્ય હકીકતો કે માહિતી છુપાવી શકાય.
CID ક્રાઇમને માહિતી આપવામાંથી મુક્તિ
આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા સંદર્ભે એક આર.ટી.આઇ. અરજીથી ગુજરાત રાજયમાં 1 જાન્યુઆરી 2020થી 1 ઑક્ટોબર 2024 સુધીમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની માહિતી માંગ કરવામાં આવી હતી. આ આર.ટી.આઇ. અરજીથી ગુજરાત પોલીસના અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી CID ક્રાઇમ અને રેલવેઝ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ માહિતી આપવાની જગ્યાએ જાણ કરવામાં આવી કે CID ક્રાઇમને માહિતી આપવામાંથી મુક્તિ આપેલી છે.
સ્ટેટ કંટ્રોલ દ્વારા પત્રમાં લખવામાં આવ્યું કે આર.ટી.આઇ. અરજીની વિગતો જોતાં, માંગેલી માહિતીના મુદ્દાઓની માહિતી અત્રેની કચેરી ખાતે ઉપલબ્ધ ન હોય આપની (CID ક્રાઇમ) કચેરીના કાર્યો સાથે વધુ નિકટતાથી સંકળાયેલ હોય, અરજદારની આર.ટી.આઇ. અરજી આગળની જરૂરી કાર્યવાહી માટે આપને મોકલી આપેલી છે અને કોઈ અન્ય જાહેર માહિતી અધિકારીને લગતી હોય તો સંલગ્ન પરત્વે અરજી તેઓને આપના સ્તરેથી તબદીલ કરવા વિનંતી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિકાસ માત્ર જાહેરાત-પોસ્ટરોમાં, 81% વિદ્યાર્થીને માતૃભાષા લખતા-વાંચતા નથી આવડતી
પત્રમાં લખવામાં આવ્યું કે માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળની અરજી કચેરીને તબદીલ કરવામાં આવેલી છે પરંતુ CID ક્રાઇમને માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ-24(4) હેઠળ ગુજરાત સરકારના જાહેરનામા નં.એસબી- 1/10202001/8203/જીઓઆઇ-62(પાર્ટ ફાઇલ) અન્વયે માહિતી આપવામાંથી મુક્તિ આપેલી છે, જેથી આપ દ્વારા માંગેલી માહિતી પૂરી પાડી શકાય તેમ નથી જે જાણવા વિનંતી છે.
CID ક્રાઇમના જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક (વહીવટ) એ. એમ. ભગોરા દ્વારા આ જાણ અરજદાર ભરતસિંહ ઝાલા અને મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધીક્ષક સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદના રિંગ રોડ પરની હોટલો-કેફે બન્યા નશેડીઓના અડ્ડા, અહીં પોલીસ લેશે એક્શન?
ખેડૂત આગેવાન અને અરજી કરનાર ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ડીઝલ, મજૂરી ખર્ચ અને પોતે પરિવાર સાથે મહેનત કરે. વીજળી બીલ કે સિંચાઈ ખર્ચ સાથે એક હેકટર જમીનમાં ઓછામાં ઓછો ખર્ચ એક લાખ રૂપિયા સુધી પહોંચે છે, તેની સામે કુદરતી આપત્તિમાં પાક નુકસાન થયું તેનું કદી પૂરું વળતર ન મળે. પાક ઉત્પાદનના પૂરા ભાવ ન મળે ઉપરાંત બૅંકોની નોટિસ મળતાં આબરુ ન સાચવી શકતાં પોતાના પરીવારનું ભરણ પોષણ ન થતાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.
તેમણે જણાવ્યું કે અગાઉ 2007માં ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તમામ માહિતી વિનામૂલ્યે આયોગમાં જાહેર કરી હતી અને એ માહિતીના આધારે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી થતાં સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો હતો કે સરકાર દ્વારા યોગ્ય કાયમી નીતિ બનાવવામાં આવે છતાં પણ ગુજરાત સરકાર કેમ આત્મહત્યા કરનાર ખેડૂતના આંકડા જાહેર કરતી નથી.