Get The App

સરકારી કર્મચારીઓનું ગુજરાત સરકારને છેલ્લું અલ્ટીમેટમ, આવતીકાલે પાટનગરમાં કરશે "હલ્લાબોલ'

રામધૂન બોલાવી સીએમને આવેદનપત્ર સોંપાશે, લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓએ સરકાર પર દબાણ વધાર્યું

જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી સહિતના પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર મુશ્કેલીમાં મૂકાય તેવી શક્યતા

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
સરકારી કર્મચારીઓનું ગુજરાત સરકારને છેલ્લું અલ્ટીમેટમ, આવતીકાલે પાટનગરમાં કરશે "હલ્લાબોલ' 1 - image


Gujarat Government Employee Protest on Old Pension Scheme | ગુજરાતમાં સરકારી કર્મચારીઓ રાજ્ય સરકાર સામે લડત લડવાના મૂડમાં છે. જૂની પેન્શન યોજના,ફિક્સ પગાર નાબૂદી સહિત પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકારી કર્મચારી મહામંડળે હવે સરકારને આખરી અલ્ટીમેટમ આપ્યુ છે. તા.૧૫મી માર્ચે આખાય રાજ્યના સરકારી કર્મચારીઓને પાટનગર ગાંધીનગરમાં ઉમટી પડવા એલાન કરાયુ છે. આ જોતા સરકારની ચિંતામાં વધારો થયો છે.

જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓ છેલ્લા કેટલાય વખતથી સરકાર સામે આંદોલન કરીને પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે. ગુજરાત કર્મચારી મહામંડળે એલાન કરતાં આ જ મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત કાળા વસ્ત્રો પહેરીને ફરજ બજાવી હતી. વાત આટલેથી અટકી ન હતી. જીલ્લા કક્ષાએ પણ દેખાવો કરાયા હતાં. કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવાયો હતો. ગાંધીનગરમાં ધરણાં  પ્રદર્શન યોજીને સરકારની નીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. 

જે રીતે સરકારી કર્મચારીઓ ફિક્સ પે અને જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા આંદોલન કરી રહ્યા તે જોતાં ગુજરાત સરકારે કર્મચારીઓનો અવાજ દાબી દેવા પ્રયાસ કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જારી કરીને એવો આદેશ કર્યો છે કે, જો કર્મચારીઓ પેનડાઉન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમમાં ભાગ લેશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારના આ પરિપત્ર છતાંય સરકારે કર્મચારીઓએ પેનડાઉન કરીને વિરોધ નોંધાવ્યો હતો. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ૧૭મી માર્ચ પછી ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણીનું એલાન થઈ શકે છે. આ જોતાં ગુજરાત કર્મચારી મહામંડળે  તા.૧૫મીએ આખાય રાજ્યના કર્મચારીઓને ગાંધીનગર ઉમટી પડવા  એલાન કર્યુ છે. ૧૫મી માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓ રામ ધૂન બોલાવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ સોંપાશે. 


Google NewsGoogle News