Get The App

મિલકત દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
મિલકત દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત 1 - image


Property Registration New Rules: મિલકત દસ્તાવેજની નોંધણી લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકી શકાશે. નવા નિયમ અંતગર્ત હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી સ્વિકારવામાં આવશે નહી. 

સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે. 

આ પણ વાંચો: ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું, પણ ‘જ્ઞાતિવાદ’નો રંગ લાગતા ભારે અજંપો

આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.

સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે. 

Tags :