Get The App

પૂરને સવા મહિનો થઈ ગયો છતાં લોકો સહાયથી વંચિત, પ્રધાનમંત્રીના આગમનના કાર્યક્રમમાં કૉર્પોરેટરોની બેઠકમાં ઉગ્ર રજૂઆત

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
પૂરને સવા મહિનો થઈ ગયો છતાં લોકો સહાયથી વંચિત, પ્રધાનમંત્રીના આગમનના કાર્યક્રમમાં કૉર્પોરેટરોની બેઠકમાં ઉગ્ર રજૂઆત 1 - image


Vadodara : આગામી તારીખ 23 મીના રોજ વિકાસ સપ્તાહના કાર્યક્રમ અને તારીખ 28મીએ સ્પેનના પ્રધાનમંત્રી અને તેમના અધિકારીઓના ડેલીગેશન સાથે ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત વડોદરા ખાતે રાખવામાં આવી છે તેના ભાગરૂપે આજે મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને કૉર્પોરેટરોની એક બેઠક મળી હતી. જેમાં પૂરની પરિસ્થિતિને સવા મહિના ઉપરનો સમય થઈ ગયો છે છતાં પણ અનેક વિસ્તારોમાં સરકારની સહાય આજ દિન સુધી મળી નથી તે અંગે ઉગ્ર રજૂઆતો થઈ હતી. જેમાં મેયરે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજીને ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટરોની બેઠક ખંડેરાવ માર્કેટ ખાતે યોજાઈ હતી. બેઠકમાં વિકાસ સપ્તાહની હાલમાં ઉજવણી ચાલી રહી છે તે દરમિયાન તારીખ 23મી એ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે તારીખ 28મીએ સ્પેન અને ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત પણ વડોદરા ખાતે થવા જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને વડોદરા કૉર્પોરેશન દ્વારા શહેરને શણગારવાની કામગીરી ચાલે છે તેને ધ્યાનમાં રાખી કૉર્પોરેટરોના સૂચનો મેળવવા માટે વડોદરા કૉર્પોરેશનના મેયર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કૉર્પોરેટરોએ વિવિધ સૂચનો કર્યા હતા ત્યારબાદ પૂરની પરિસ્થિતિ બાદ લોકોને સહાય મળી નથી તે અંગે અનેક કૉર્પોરેટરોએ રજૂઆત કરી હતી. 

પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેસ ડોલ વિતરણનો સર્વે કેટલાક વિસ્તારોમાં નહિ થયો હોવાના મુદ્દે કૉર્પોરેટર આશિષ જોશી, ધર્મેશ પટ્ટણી અને પારુલ પટેલ સહિતના કૉર્પોરેટરો દ્વારા યોગ્ય સર્વે નહિ થયો હોવાના મામલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના પાણી ફરી વળ્યા હતા તેને આજે સવા મહિનો ઉપરનો સમય થઈ ગયો છે તે પછી સરકાર તરફથી વેપારીઓ અને રહેઠાણ વિસ્તારને સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ સરકાર તરફથી વિવિધ વિસ્તારોમાં સહાય ચૂકવવામાં આવી રહી છે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જેમાં સર્વે થઈ ગયો હોય પરંતુ સહાય મળી નથી તો કેટલીક જગ્યાએ તો સર્વે થયો જ નથી જે ઝડપથી કરવામાં આવે તે જરૂરી છે.


Google NewsGoogle News