સુરત પાલિકામાં મંજુર મહેકમ કરતા ડેપ્યુટી કમિશનરની સંખ્યામાં વધારો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકામાં મંજુર મહેકમ કરતા ડેપ્યુટી કમિશનરની સંખ્યામાં વધારો 1 - image


- સરકારે વધુ ત્રણ ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરતા સુરત પાલિકાના વહીવટમાં સરકારનું સીધું મહત્વ વધ્યું 

- વધુ પડતા કાર્યબોજ માં દબાયેલા પાલિકાના અધિકારીઓ પરથી કાર્યભારણ ઓછું થશે પાલિકા કમિશનર સહિત ત્રણ આઈએએસ અને બે જીએએસ અધિકારીઓ પાલિકામાં કામ કરશે

સુરત, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોની અનિર્ણાયકતાના કારણે પાલિકામાં અધિકારીઓની સંખ્યા ઓછી છે અને અધિકારીઓ પર કાર્યભાર વધુ છે. આવી  સ્થિતિમાં પણ સુરત પાલિકાનો વિકાસ રાજ્યની અન્ય  મહાનગરપાલિકા કરતાં વધુ છે. પરંતુ અધિકારીઓની  સ્થિતિ ઘણી વાર દયનીય બની જાય છે. દરમિયાન ગુજરાત સરકારે અમદાવાદની જેમ સુરતમાં પણ ડેપ્યુટી કમિશનર નિમણુંક કરતાં પાલિકામાં ડેપ્યુટી કમિશ્નરના મંજુર મહેકમ કરતા સંખ્યા વધી જશે. જોકે, સરકારના આ નિર્ણય બાદ વધુ પડતા કાર્યબોજ માં દબાયેલા પાલિકાના અધિકારીઓ પરથી કાર્યભારણ ઓછું થશે તે નક્કી છે. તેની સાથે સાથે સુરત પાલિકાના વહીવટમાં સરકાર નિયુક્ત પ્રતિનિધિ નું મહત્વ પણ વધી જશે. 

ગુજરાત સરકાર હાલમાં જ કરેલા આઈએએસ અને જીએએસ કેડરના બદલીના ઓર્ડર ઈસ્યુ કર્યા છે.  આ લિસ્ટમાં સુરત મહાનગરપાલિકામાં ત્રણ ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરવામા આવી છે. આ ઓર્ડર માં સુરતમાં  ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા ધવલ પંડ્યાની બદલી કરવામાં આવી છે.  પરંતુ ત્રણ ડેપ્યુટી કમિશ્નરની સુરત પાલિકામાં નિમણુંક કરવામાં આવી છે.  સુરત પાલિકા મા મંજુર ડેપ્યુટી કમિશનરની પોસ્ટ પૈકી એક જ પોસ્ટ ખાલી છે તેનો ચાર્જ કેતન દેસાઈ ને સોંપવામાં આવ્યો છે. 

આ ઉપરાંત પાલિકામાં ડેપ્યુટી કમિશ્નર ( પ્લાનીંગ એન્ડ ડેવલપીંગ) માટે ની પોસ્ટ માટે પાલિકાએ જાહેરાત બહાર પાડીને અરજી મંગાવી હતી. પરંતુ શાસકો કોઈ નિર્ણય કરી શકતા ન હોવાથી આ જગ્યાનો ચાર્જ ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશ્નરની મંજુર મહેકમ જગ્યા આઠ છે તેમાંથ સાત જગ્યા પર નિમણૂક કરી દેવામાં આવી છે. 

સુરત મહાનગરપાલિકાના હેલ્થ એન્ડ હોસ્પિટલ ના ડેપ્યુટી કમિશનર તરીકે ડો. આશિષ નાયક છે. જ્યારે ડેપ્યુટી કમિશનર ( ડેપ્યુટેશન) માટે સરકાર દ્વારા આઈ એ એસ ડો. રાજેન્દ્ર પટેલ ની નિમણુંક કરી છે. જોકે, હજી પણ સુરત પાલિકામાં ડેપ્યુટી કમિશ્નર જનરલ અને ડેપ્યુટી કમિશનર પી એન્ડ ડીની બે જગ્યા ખાલી છે. સરકાર દ્વારા હાલમાં જે ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં બે જીએએસ અને એક આઈએએસ અધિકારીઓની ડેપ્યુટેશન માટે નિમણુંક કરી છે. 

સરકારના આ નિર્ણયના કારણે પાલિકાના વહીવટ પર સરકારી અધિકારી નું પ્રભુત્વ વધશે પરંતુ તેની સાથે સાથે સુરત પાલિકાના અનેક અધિકારીઓ એવા છે જે વધુ પડતા કાર્ય બોજ હેઠળ દબાયેલા છે. તેઓનો કાર્યબોજ હળવે થશે.



Google NewsGoogle News