ગોરવાના ટ્રાવેલ એજન્ટે ઉમરાહના નામે રૃ.2.95 લાખની ઠગાઇ કરી
વડોદરાઃ ગોરવાના એક ટ્રાવેલ એજન્ટે ઉમરાહના નામે કેટલાક લોકો સાથે છેતરપિંડી કરતાં ગોરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.
કરોડિયારોડની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સમીરભાઇ રણાએ પોલીસને કહ્યું છે કે,મારા પરિવારજનોને ઉમરાહ માટે જવું હોવાની જાણ થતાં ગોરવામાં ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો કરતા સોએબ રાણાએ સંપર્ક કર્યો હતો.જેથી અમે તેની સાથે ડાયમંડ રેસ્ટોરાંમાં મીટિંગ કરી હતી.
મારા કાકી અને દાદીને ઉમરાહ માટે જવું હોવાથી ત્રણ જણા પાસેથી રૃ.૫૫ હજાર લેખે સોએબે રૃ.૧.૬૫લાખ નક્કી કર્યા હતા.જે પૈકી રૃ.૬૦ હજાર ચૂકવ્યા હતા અને બાકીની રકમ ટિકિટ અને વિઝા પછી ચૂકવવાની હતી.તેણે ટિકિટ અને વિઝાનો ફોટો મોકલતાં બાકીની રકમ પણ ચૂકવી હતી.પરંતુ ત્યારબાદ તેણે વારંવાર ટુરની તારીખ બદલી હતી.જેથી તેની પાસે રૃપિયા પાછા માંગતા તેણે મોબાઇલ પર વાત કરવાનું બંધ કર્યું હતું અને ઓફિસે પણ મળતો નહતો.
સમીરભાઇએ કહ્યું છે કે,અમારી જેમ જીઇબી કોલોની ખાતે રહેતા મહંમદ હનીફ શબ્બીરહુસેન દિવાન પાસેથી પણ સોએબે રૃ.૧.૩૦ લાખ પડાવી લીધા હતા.જેથી ગોરવા પોલીસે સોએબ ઇકબાલભાઇ રાણા (પાર્ક એવન્યૂ,હુસેનીપાર્ક પાસે,મધુનગર, ગોરવા) સામે ગુનો નોંધ્યો છે.