રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર સેફ્ટી સામે ફરી ઉઠ્યા સવાલો
Fire in Gopal Factory : ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડ સહીતની ડઝન વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઇ હતી ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે શું આટલી જાણિતી ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.