'...જો આ પદ્ધતિ હોત તો વર્ષ 2022ની ચૂંટણીમાં AAPના 50 MLA જીત્યા હોત', જાણો કયા મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કરી ટિપ્પણી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
'...જો આ પદ્ધતિ હોત તો વર્ષ 2022ની ચૂંટણીમાં AAPના 50 MLA જીત્યા હોત', જાણો કયા મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કરી ટિપ્પણી 1 - image


Junior Clerk Merit Controversy : ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવેલા CCE જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિવાદ સર્જાયો છે. ઉમેદવારોએ ગાંધીનગરમાં CBRT પદ્ધતિ નાબૂદ કરવા અને CCE પરીક્ષાના માર્ક GPSC પદ્ધતિથી જાહેર કરવા સહિતની માગ સાથે હસમુખ પટેલને રજૂઆત કરી હતી.  ત્યારે હવે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આ મામલે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, CCE-CBRTની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ નોર્મલાઈઝેશન લાગુ કરવું જોઈએ.

ગોપાલ ઇટાલિયાએ CBRT પદ્ધતિને લઈને ભાજપ પર કર્યો કટાક્ષ

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતી પોસ્ટ 'X' પર શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે, "યુવાનોને અન્યાય થાય તેવી CCE અને CBRT પદ્ધતિ જો ભાજપવાળાને ખરેખર સારી લાગતી હોય તો વિધાનસભા-2022 ની ચૂંટણી ઉપર પણ લાગુ કરવી જોઈએ. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં CCE લાગવાથી ભાજપના આઠ પાસ મંત્રી હારી જાય અને આમ આદમી પાર્ટી જીતી જાય ત્યારે ભાજપવાળાને આ પદ્ધતિની વાસ્તવિકતા સમજાય."

'...તો આપના 50 ધારાસભ્યો જીતે'

ગોપાલ ઇટાલિયાએ એક લખાણ શેર કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, "ભાજપવાળાએ ગુજરાતના યુવાનોને અન્યાય થાય તેવી CCE અને CBRT નામની વ્યવસ્થા અમલમાં મૂકેલ છે. યુવાનોના અત્યંત વિરોધ પછી પણ આ ભાજપવાળા CCE અને CBRT બાબતે કોઈ સ્પષ્ટતા કે ફેરફાર કરવા તૈયાર નથી. જો ભાજપવાળાની દ્રષ્ટિએ Normalization કરવાની પદ્ધતિ સારી હોય તો, યોગ્ય હોય તો વિધાનસભાની ચૂંટણીમાં પણ નોર્મલાઈઝેશન લાગુ કરવું જોઈએ. 2022ની વિધાનસભામાં નોર્મલાઈઝેશન લાગુ થાય તો આમ આદમી પાર્ટી પચાસથી વધુ ધારાસભ્યો જીતે."

ઉમેદવારોની મુખ્ય રજૂઆત

ઉમેદવારોની રજૂઆત છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાની જાહેર કરાયેલી મેરિટ યાદીમાં ઘણી વિસંગતતા પેદા થઈ છે. જુનિયર ક્લાર્કના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષામાં કેટેગરીના સાત ગણાની જગ્યાએ કુલ ભરતી 5,500 જગ્યાના સાત ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હોવાથી બહાર પાડવામાં આવેલું મેરિટ બહુ ઊંચું ગયું છે.

CBRT પદ્ધતિ લોટરી કે જુગાર જેવી: ઉમેદવાર

CBRT પદ્ધતિથી લેવામાં આવતી પરીક્ષા પદ્ધતિ નાબૂદ કરવા અને CCE પરીક્ષાના માર્ક GPSC પેટર્નથી જાહેર કરવા ઉમેદવારોએ માગ કરી છે. જેથી મુખ્ય પરીક્ષામાં ઉમેદવાર પરીક્ષા આપવાથી વંચિત ન રહે. CBRT પદ્ધતિમાં નોર્મલાઇઝેશન મેથડમાં ઉમેદવારોના માર્કમાં વધઘટ થાય છે, આ જુગાર જેવી સિસ્ટમ નાબૂદ થવી જોઈએ તેવો મત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ વ્યક્ત કર્યો છે.

3.40 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

વર્ગ 3ની અલગ અલગ 21 કેડરની 5,554 જગ્યાઓ માટે રાજ્યના 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ પરીક્ષામાં હજાર રહ્યા નથી તેમના એકાઉન્ટમાં ઓનલાઇન ફી જમા કરવામાં આવશે. મેરિટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે.

કેટલો મળશે પગાર?

સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઑફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો પગાર માસિક 26,000 રૂપિયા છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ–રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પર પસંદગી પામનાર ઉમેદવારને 49,600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.


Google NewsGoogle News