Get The App

અંબાજીના ભક્તો માટે ગૂડ ન્યૂઝ, અમદાવાદથી 2027માં ટ્રેન દોડતી થશે, 20% કામગીરી પૂર્ણ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
અંબાજીના ભક્તો માટે ગૂડ ન્યૂઝ, અમદાવાદથી 2027માં ટ્રેન દોડતી થશે, 20% કામગીરી પૂર્ણ 1 - image


Gujarat Assembly elections 2027 : શક્તિપીઠ અંબાજી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે. હવે અમદાવાદથી 173 કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે. અમદાવાદ-અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ શક્તિપીઠ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલ કાર્યરત છે. ગુજરાતમાં હવે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઈ જાય તેવી સંભાવના છે. 

શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર જ અંબાજી સ્ટેશન બનાવાશે 

અમદાવાદથી અંબાજી માટે હાલ માત્ર બાય રોડનો વિકલ્પ છે. અમદાવાદ-અંબાજી વચ્ચે ટ્રેન દોડતી કરવા મહેસાણા નજીક તારંગાથી અંબાજી થઈ આબુ રોડ સુધીની લગભગ 116 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન નાખવાની કામગીરી હાલમાં જારી છે. આ રેલવે લાઇન શરુ થતાં લોકો અમદાવાદ અને દિલ્હીથી સીધા અંબાજી સુધી ટ્રેન દ્વારા અવર-જવર કરી શકશે. આ રેલવે લાઇન 6 નદી, 60  ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે. 

આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો

ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને મળશે લાભ

આ રેલવે લાઇન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનમાં સિરોહીથી પસાર થશે. ન્યુ તારંગા હિલ, સતલાસણા, મુમનાવાસ, મહુડી, દાલપુરા, રૂપપુરા, હડાડ અંદાજે 15 જેટલા સ્ટેશન બનાવાશે. અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરુ કરી દેવાઈ છે. અંબાજી સ્ટેશનનું પ્લેટફૉર્મ અને સ્ટેશન બિલ્ડિંગ મંદિર નજીક ચિકલા ગામ વિસ્તારમાં આવેલ પર્વતમાળા તેમજ 400  જેટલા વૃક્ષોને કાપી તૈયાર કરવામાં આવશે. 

આ પણ વાંચો: દેશ શોકમાં અને ભાજપના નેતાઓ મોજમાં ! રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં BJP કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી

સ્ટેશનની અંદર જ હોટેલ સહિતની સુવિધા 

રેલવે દ્વારા ઍરપૉર્ટ જેવી સુવિધા ધરાવતા અને અંબાજી શક્તિપીઠની થીમ પર જ મંદિરથી અંદાજે 3.5 કિલોમીટરના અંતરે લગભગ 175 કરોડના ખર્ચે બે માળના અંબાજી રેલવે સ્ટેશનની બિલ્ડિંગ તેમજ 7 માળના અને 100 રૂમની સુવિધા ધરાવતાં બજેટ હોટલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન બિલ્ડિંગમાં 51 શક્તિપીઠના પ્રતિક સમાન 51 શિખર તૈયાર કરવામાં આવશે. અંબાજી સ્ટેશને તૈયાર થનારા ત્રણ પ્લેટફોર્મ પર અવર જવર કરવા માટે સબવે પણ તૈયાર કરાશે.


Google NewsGoogle News