ગોંડલના દેવળાની પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો સ્વચ્છતા એવોર્ડ મળ્યો
શાળામાં ધોરણ 1થી 8ના આઠ વર્ગ, 140 બાળકોની સંખ્યા : કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કાર: આચાર્ય, બાળકો, સ્ટાફે શાળાને નંદનવન બનાવી, ગાર્ડન, સ્પ્રિન્ક્લર, બાંકડા, વોટર સ્ટોરેજ, ટોયલેટ બ્લોકની સવલત
રાજકોટ, : કહેવાય છે કે મન હોય તો માળવે જવાય...નિષ્ઠાથી જ પ્રતિષ્ઠા હાંસલ થાય છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવળા ગામના શાળા સ્ટાફે ધોરણ 1થી 8ની શાળામાં સ્વચ્છતા માટે એવી કામગીરી કરી કે જેની નોંધ છેક દિલ્હી લેવાઈ અને આ શાળાને તા. 19મીના રોજ રાષ્ટ્રીય કક્ષાનો સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, તેમજ શાળા પરિસર અને શાળામાં વિકાસ કામો કરવા માટે રૂા. 60,000નો પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.
દિલ્હીમાં કેજરીવાલ મોડલ હેઠળ સારી શાળાઓ ચાલે છે પણ ગુજરાતમાં ય આ પ્રયોગ શક્ય છે. શાળાના આચાર્ય આર.બી. કયાડા કહે છે કે રાજય સરકાર દર વર્ષે શાળા પરિસરમાં કોઈ પણ કામ કરવા કે રિપેરિંગ કરવા માટે દર વર્ષે રૂા. 50,000ની જબરી ગ્રાન્ટ આપે છે. આ ગ્રાન્ટનો અમોએ સદુપયોગ કરીને શાળામાં વિકાસ કાર્ય હાથ ધર્યા હતા અને શાળાને ગ્રીન શાળા બનાવવાનો સંકલ્પ કર્યો હતો. શાળામાં લીલોછમ્મ ગાર્ડન, બાળકોને બેસવા માટે બાંકડા, ઝુલવા માટે હિંચકા, લપસણી જેવા બાળમનોરંજન સાધનો, સ્વચ્છ ટોયલેટ બ્લોક, હેન્ડવોશ સવલત,પીવાના પાણીની સવલત, આ ઉપરાંત વોટર હાર્વેસ્ટીંગ માટે વાસ્મોએ વરસાદી પાણીના સંગ્રહ માટે 30,000 લિટર સંગ્રહ ક્ષમતાનો ભૂગર્ભ ટાંકો અને અનેક હરિયાળા ઝાડ થી શાળાને સંપન્ન બનાવી છે. હાલ આ શાળામાં 140 બાળકો ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ કરે છે. સંખ્યા વધારવાના પણ અમારા પ્રયાસો જારી છે.
આ શાળાને દિલ્હી ખાતે ત્રણ રાજયમંત્રીઓની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે શાળાના આચાર્યએ સ્વીકાર કર્યો હતો.
બાળકોના કુપોષણ નિવારણ માટે કેળ અને નાળિયેરી વવાશે
રાજકોટ: શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળા પરિસરના વધુ બ્યુટિફિકેશન માટે શાળામાં કેળના 40 ઝાડ વાવવામાં આવશે અને 20 નાળિયેરી વાવવામાં આવશે જેનાથી શાળાની સુંદરતા કેરળ, દક્ષિણ ભારત પ્રદેશ જેવી બની જશે. આ ઉપરાંત મધ્યાહ્નભોજન સાથોસાથ બાળકોને ભોજનમાં કેળા ફળ તરીકે આપવાનો ભવિષ્યનો વિચારાધીન પ્રોજેકટ છે.જેને અમલી કરવા આગળ વધવાના છીએ .નાળીયેર પાણી દ્વારા બાળકોને ન્યુટ્રીએન્ટ કરવા અને પોટેશ્યમ વગેરે આપૂર્તી કરવામાં આવશે.કેળા દ્વારા જુદા જુદા વિટામિનો, કેલ્શિયમ પુરા પાડવામાં આવશે. આ બન્ને માટે અમો જુનાગઢ બાગાયત વિભાગનો સંપર્ક કરશું.