ગોંડલમાં ધો. 10ના વિદ્યાર્થી પર રેગીંગ હોસ્ટેલનાં 4 વિદ્યાર્થીએ બેફામ માર માર્યો
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડયો : હુમલાખોર 2 વિદ્યાર્થીને શાળાઓથી સસ્પેન્ડ કરાયા, અન્ય બેને પનીશમેન્ટ અપાઇ હોવાનો દાવોઃ ધોળકિયા સ્કૂલનો બનાવ
ગોંડલ : ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલ માં રહેતા તરૂણને તેના બે રૂમ પાર્ટનર સહીત ચાર વિદ્યાર્થીઓ એ ઢીકાપાટુ સાથે પટ્ટાથી બેરહમ માર મારતા તરૂણ ને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અને બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી.બીજી બાજુ તરૂણ પર રેગિંગ કરનારાં બે મુખ્ય સુત્રધાર સમાં વિદ્યાર્થીને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયાનો દાવો સ્કુલનાં કેમ્પસ ડીરેકટર દ્વારા કરાયો હતો. માસુમ બાળક પર કરાયેલા અત્યાચારને લઈને વાલીઓ રોષે ભરાયા હતાં. અને આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાનાં વેજાગામ રહેતા અને ઉમવાડા રોડ પર આવેલી ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલમાં રહી ધોરણ દશમાં અભ્યાસ કરતા પાર્થ પ્રફુલભાઈ મહીડા (ઉ.વ. ૧૫)ને ગત રાત્રે તેની સાથે રૂમમાં રહેતા બે અને અન્ય મળી ચાર વિદ્યાર્થીઓએ પટ્ટા વડે બેરહમ માર મારતા પાર્થને શરીરમાં ઠેરઠેર ચાંભા પડી ગયા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાર્થે જણાવ્યું કે મારાં રૂમ પાર્ટનર વૈદ જાવીયા, પ્રણવ માધવાણી તથા હાર્વીક સોલંકી અને અંશ નામનાં વિદ્યાર્થીઓએ ગત રાત્રે ૩૦૫ નંબરનાં રૂમમાં બોલાવી જ્ઞાાતિ પ્રત્યે હડતુત કરી પહેલા ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં પટ્ટા વડે બેફામ માર માર્યા હતો. સવારે કલાસ ટીચરને વોશરૂમમાં લઈ જઈ મારને કારણે શરીર પર પડેલા ચાંભા બતાવતા તેમણે કેમ્પસ ડીરેકટરને જાણ કરતા તેમણે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને બોલાવી ઠપકો આપ્યો હતો. બાદમાં મેડમે મારી પાસે માફી પત્ર લખાવ્યું હતુ. ત્યારબાદ સ્કુલ સંચાલકો દ્વારા પાર્થની ખાનગી તબીબ પાસે સારવાર કરાવી પાર્થનાં પરીવારને જાણ કરાતા પાર્થનાં દાદા દાનાભાઇ ધોળકીયા સ્કુલ દોડી ગયા હતા. અને પાર્થને લઈ સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચ્યા હતા. બનાવ અંગે ધોળકીયા સ્કુલ નાં કેમ્પસ ડીરેકટર જી. એમ.ગોકાણીએ જણાવ્યુ કે આ વિદ્યાર્થીઓ વચ્ચે ની તકરાર છે.બનાવ ની જાણ થતા વૈદ જાવૈયા તથા પ્રણવ માધવાણીને સ્કુલ માંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.અને અન્યને પનીશમેન્ટ અપાઇ છે.બનાવ અંગે બી ડીવીઝન પીએસઆઇ ઝાલાએ પાર્થ નું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.