ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે નવો વળાંકઃ મૃત્યુ પહેલાં રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં દેખાયો, CCTV વાઈરલ
Gondal Rajkumar Jat Suspicious Death Update: રાજકોટના ગોંડલના ગુમ થયેલા યુવકના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક સામે આવ્યો છે. જેમાં યુવકના મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં યુવક રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં પસાર થતો જોવા મળી રહ્યો છે.
મૃતક રાજકુમાર જાટના મૃત્યુ પહેલાંનો સીસીટીવી વીડિયો હાલ સામે આવ્યો છે. સીસીટીવી મુજબ યુવક 3 માર્ચના દિવસે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ રાજકુમાર નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચાલીને જતો જોવા મળી રહ્યો હતો. હાલ, રાજકુમાર જાટનો આ સીસીટીવી વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સીસીટીવી સામે આવ્યા બાદ કેસમાં હજુ નવા ખુલાસા સાથે ઘટનામાં અનેક વળાંક આવી શકે તેવી સંભાવના છે.
CCTV અધૂરા અને એડિટ કરેલા- મૃતકના પિતાનો દાવો
નોંધનીય છે કે, મૃતક યુવક રાજકુમાર જ્યારે 3 માર્ચે રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળે ત્યારના CCTVમાં તે અલગ કપડાંમાં જોવા મળે છે. અને હાલમાં જે CCTV વાઇરલ થયા છે કે જેમાં રાજકુમાર હોવાની ચર્ચા છે તે CCTV 3 માર્ચ સવારના 8 વાગ્યાની આસપાસના એટલે કે ઘરેથી નીકળ્યા ને 6 કલાક બાદના છે. આ સીસીટીવમાં તે નગ્ન હાલતમાં જતો જોવા મળે છે. આ સિવાય જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે અલગ કપડાંમાં જોવા મળે છે. જોકે, આ મામલે મૃતકના પિતાનું કહેવું છે કે 'પોલીસે જાહેર કરેલા CCTV અધૂરા અને એડિટ કરેલા છે'.
PI ગોસ્વામી શંકાના દાયરામાં
હવે આ મામલે રાજકુમાર જાટનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સામેઆવ્યો છે. જેમાં યુવકના શરીરમાં ઈજાના 48 નિશાન મળ્યા છે. બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટ એટેકથી મોત થયું છે. રિપોર્ટ બાદ હવે ગોંડલ પોલીસે પરિવારથી હકીકત છુપાવ્યાની સંભાવના છે. મૃતદેહ 4 માર્ચથી પડ્યાની માહિતી પરિવારથી છુપાવી હોવાનું લાગી રહ્યું છે. જાણકારી છુપાવતા પીઆઈ ગોસ્વામી પણ શંકાના દાયરામાં આવ્યા છે. પરિવારજનોએ જણાવ્યું છે કે PI ગોસ્વામી બે વાર હોસ્પિટલ ગયા હતા. તો મૃતદેહ સિવિલમાં ન હોવાનું કયા આધારે કહ્યું? હોસ્પિટલમાં 4 તારીખથી મૃતદેહ પડ્યો હતો. પરિવારના આરોપ બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. રાજકુમારનો જ્યાં મૃતદેહ મળ્યો ત્યાં શંકાસ્પદ કાર કોની? બન્ને કારને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'
આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
રાજસ્થાનના સાંસદે CBI તપાસની માંગ કરી
ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગે CBI તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, 'હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ.